સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

માળીયાહાટીનાના લાલજીભાઇએ આજે પણ ખાટલો જાતે ભરી સંસ્કૃતિને જીવંત રાખી છે

ખાટલા ભરવાનો નાનપણથી જ શોખ : કોઇ પાસેથી એક પૈસો લેતા નથી

માળીયા હાટીના, તા. ૧૬ : ૮ર વર્ષના લાલજીભાઇ ભાડજા આજે પણ જૂની સંસ્કૃતિને તાજી રાખી ખાટલો પોતે જાતે ભરે છે. માળીયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામે ૮ર વર્ષના કડવા પટેલ લાલજીભાઇ લક્ષ્મીદાસભાઇ ભાડેજા (ઉ.વ.૮ર) પોતે સાવ અભણ હોવા છતાં અને ચશ્મા પેહરીયા વગર પોતાની કોઠાસૂઝ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે ચાર ઉભા ૪ આડા લાકડાનો ખાટલો પોતે જાતે જ શિંદલીથી અને પટીથી ભરે છે.

લાલજીભાઇ ભાડેજા ખાટલો ભરવા માટે કોઇ પાસે ચાર્જ લેતા નથી પોતે વિનામૂલ્યે લોકોની સેવા કરે છે. આજ સુધીમાં લાલજીભાઇ ૧૦૦૦થી પણ વધારે ખાટલા કર્યા છે કોઇ પાસે કાંઇ પણ લેતા નથી.

આ બાબતે લાલજીભાઇ ભાડેજા જણાવે છે કે મને ખાટલા ભરવાનો નાનપણથી જ શોખ છે એક ખાટલો ભરતા ઓછામાં ઓછા ત્રણ કલાક જેવો સમય થાય છે કાયમના હું ત્રણ ખાટલા ભરી શકું છું. આમ અત્યારે સોફાસેટ સેટી પલંગ જેવા અનેક આઇટમો સુવા બેસવા અને આરામ કરવા માટે નીકળે છે ત્યારે હાલ માત્ર પાણીમાં બેસી વર્ષના આ લાલજીભાઇ લક્ષ્મીદાસભાઇ ભાડજા માળીયા હાટીના પંથકના વિનામૂલ્યે ખાટલા ભરીને જૂની સંસ્કૃતિને જાળવી રાખી છે. માતરવાણીયા અને આજુબાજુના ગામડાઓમાં ઘરે ઘરે અત્યારે લાલજીભાઇ ભાડેજાના હાથથી ભરેલા દેશી ખાટલા પાર વગરના જોવા મળે છે.

અત્યારે ૮ર વર્ષની ઉંમર હોવા છતાં લાલજીભાઇ ભાડેજા યુવાનોને શરમાવે એટલી ઝડપથી ખાટલા ભરવાની કામગીરી કરે છે.

(10:00 am IST)