સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા શ્રી જલારામ જયંતિની ઉજવણી સંપન્ન : પૂ.જલારામ બાપાના જીવન અને કવન ઉપરની ક્વીઝ આકર્ષણનું કેન્દ્ર : આ નિમિત્તે થેલેસેમિયા મેજર બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું પણ આયોજન : સરસ્વતી સન્માન સમારોહ

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ અમ કેશવબાગ પાર્ટી પ્લોટ, સાયન્સ સીટી, સોલા, અમદાવાદ ખાતે પૂ. જલારામ બાપાની જન્મજયંતિ અત્યંત ધામધૂમથી ઉજવાઈ મુખ્ય યજમાન પરિવારની ઉપસ્થિતિમાં પૂ. જલારામ બાપાનું પૂજન, અર્ચન, સમૂહ આરતી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાઈ. ત્યારબાદ કાર્યક્રમનું સંચાલન કરી રહેલા શ્રી વી.આર. ગોપાણી તથા શ્રી મુકેશભાઈ હાલાણીએ મુખ્ય સૌજન્ય પરિવાર શ્રી ડાહ્યાલાલ મોરારજીભાઈ ઘટ્ટા પરિવાર તથા ટ્રસ્ટીમંડળ અને હોદ્દેદારોને દીપ પ્રાગટ્ય કરેલ.દીપ પ્રાગટ્ય બાદ મહાજનના મંત્રી શ્રી મુકેશભાઈ હાલાણીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા. ત્યારબાદ આ પ્રસંગે આર્થિક રીતે સહયોગી બનેલા મુખ્ય ભોજન પ્રસાદના સૌજન્ય પરિવારના વડીલ શ્રી ડાહ્યાભાઈનું  પ્રમુખ શ્રી હિમાંશુભાઈ ઠક્કર દ્વારા સન્માન કરવામાં આવ્યું. સ્ટેજ ડેકોરેશનના સૌજન્ય દાતા શ્રી ગીરીશભાઈ છોટાલાલ રૈયાનું પણ સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રમુખ શ્રી હિમાંશુભાઈ ઠક્કરે પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. પૂ. જલારામ બાપાના જીવનમાંથી પ્રેરણા લઈ સૌને વધુ ને વધુ ઉદાર બનવા માટે અને શિક્ષણ અને આરોગ્યમાં આપણે સૌ જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરી શકીએ તે ઉદાર હાથે સહયોગ આપવા પણ અપીલ કરી હતી. મહાજનશ્રીની એક ઓફિસ પણ સુંદર રીતે રિનોવેટ કરી તૈયાર થયેલ હોય એ ઓફિસ પણ સામાજિક પ્રવૃત્તિઓ માટે ખૂલ્લી મુકવામાં આવેલ છે. આ નિમિત્તે પોતાના સમયનું યોગ્ય અનુદાન આપી ખજાનચી શ્રી હિતેષભાઈ રાજદે અને અન્ય હોદ્દેદારોએ સહયોગ આપી ખૂબ ટૂંકા સમયમાં આ કામ પૂરું કર્યું તે બદલ તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા. રક્તદાનનું મહત્ત્વ સમજાવી થેલેસમિયા બાળકોના લાભાર્થે ચાલી રહેલી આ પ્રવૃત્તિઓને બિરદાવી અને સૌને વધુમાં વધુ રક્તદાન કરવા માટે પણ અપીલ કરી હતી. માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈ લાખાણીના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલની સામે કાર્યરત થેલેસેમિયા ડે કેર સેન્ટરની સૌને મુલાકાત લેવા અપીલ કરી હતી. આ તબક્કે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેલા શ્રી જીતેન્દ્રભાઈ કારિયા તથા શ્રી ભરતભાઈ ઉનડકટનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સરસ્વતી સન્માન સમારોહમાં પુરસ્કૃત થનારા આ બાળકોને પ્રોત્સાહન મળે અને સામાજિક સંવેદનાઓનો તેમનો સેતુ મજબૂત બને તે માટે ધો.૧૦ થી ઉપરના તમામ વિદ્યાર્થીઓને મંચસ્થ કરવા માટે અનુરોધ કરી સર્વે હોદ્દેદારોએ સભામાં પોતાનું સ્થાન લીધું હતું. અને નામ જાહેર કરી સર્વે વિદ્યાર્થીઓને મંચસ્થ કરાયા હતા અને ત્યારબાદ સરસ્વતી સન્માનની સાથે પૂ.જલારામ બાપાના જીવન અને કવન ઉપર અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પ્રથમ મોકો વિદ્યાર્થીઓને અને ત્યારબાદ  પ્રશ્ન સભામાં મૂકવામાં આવતો હતો અને જે સભ્ય સાચો ઉત્તર આપતા તેમને મહિલા મંડળ તેમજ પ્રમુખ શ્રી હિમાંશુભાઈ ઠક્કર દ્વારા ગિફ્ટો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સી.જી. રોડ પર આવેલા શોરૂમ કલોપ્સીયાના શ્રી કલ્પેશભાઈ ઠક્કર દ્વારા કેશ વાઉચર દ્વારા સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્વિઝના આ સેશનમાં લોકોને ખૂબ જ રસ પડતાં સમૂહ ભોજન કર્યા બાદ રાત્રે ૧૦.૩૦ કલાકે ફરીથી સૌ ક્વિઝ માટે એકત્રિત થયા હતા અને પ્રશ્નોનો બીજો દોર પણ શરૂ રહ્યો હતો. વિવિધ ધોરણના સરસ્વતી સન્માનના દાતાશ્રીઓ ઉપરાંત વિશિષ્ટ રીતે મોમાઈ ટ્રોફી માતુશ્રી જયાબેન રઘુરામભાઈ રાચ્છ પરિવાર, જલાશિષ ટ્રોફી શ્રી રામજીભાઈ શંકરલાલ ગોપાણી પરિવાર તથા સહજાનંદ ટ્રોફી શ્રી ડાહ્યાલાલ સુંદરજીભાઈ સાયતા પરિવાર દ્વારા યોગ્ય ઉમેદવારને અર્પણ કરવામાં આવેલ. લગભગ રાત્રે ૧૧.૩૦ કલાકે પૂર્ણ જાહેર કરવામાં આવેલ અને સૌ સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને પ્રસંગને દિપાવ્યો હતો. આ પ્રસંગે  મહાજનશ્રી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સંજયભાઈ ઠક્કર તથા અન્ય ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ મજીઠીયા, શ્રી વી.આર. ગોપાણી, શ્રી ચીમનભાઈ પૂજારા, શ્રી હિમાંશુભાઈ ઠક્કર તથા તમામ હોદ્દેદારો શ્રી મુકેશભાઈ હાલાણી, શ્રી હિતેષભાઈ રાજદે, શ્રી વિનીતભાઈ મજીઠીયા, શ્રી હર્ષદભાઈ ઠક્કર (એચ. એલ.), શ્રી રાજુભાઈ પોપટ, શ્રી હિતેષભાઈ સાયતા, શ્રી સંજયભાઈ ઠક્કર, શિક્ષણ મંત્રી શ્રી નીતીનભાઈ હાલાણી, શ્રી સુરેશભાઈ ઠક્કર વગેરે સુંદર મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(5:46 pm IST)