સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

જામનગરનાં વકિલ કિરીટ જોશીની હત્યાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ

મુખ્ય કાવતરાખોર અને હત્યા કરનારા દેશ છોડીને જતા રહેતા તપાસ અન્ય એજન્સીને

જામનગર તા. ૧૬: જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં ગત ર૮ એપ્રિલના રાત્રે અગ્રણી વકીલ કિરીટભાઇ જોશીની છરીના આડેધડ ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવવાના કેસમાં મુખ્ય સુત્રધાર મનાતો ભુમાફિયા અને હત્યારી બેલડી હજુ સુધી પોલીસ પકડથી દુર છે ત્યારે આ ચકચારી કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ છે.

શહેરના ટાઉનહોલ વિસ્તારમાં ગત તા. ર૮મી એપ્રિલના રાત્રે ઓફિસથી ઘરે જવા માટે કાર તરફ જઇ રહેલા અગ્રણી વકીલ કિરીટભાઇ જોશીની ડબલ સવારી બાઇકમાં ધસી આવેલા બે શખ્સ આડેધડ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવી ફરાર થઇ જતાં જામનગર સહીત સૌરાષ્ટ્રભરમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી. આ હત્યાના બનાવના પગલે ભોગ બનનારના ભાઇની ફરીયાદ પરથી પોલીસે ભુમાફિયા જયેશ રાણપરીયા ઉપરાંત બે અજાણ્યા શખ્સો સામે ગુન્હાહિત કાવતરૂ રચી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જ પોલીસ તપાસ દરમ્યાન ભુમાફિયા જયેશએ અમદાવાદના નામચીન પુજારા બંધુને સોપારી આપી હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.

જે કેસમાં અગાઉ સ્થાનિક પોલીસે મુંબઇ, અમદાવાદ અને રાજકોટના જુદા જુદા અગીયારેક શખ્સોની સંડોવણી ખુલતા અમદાવાદ એટીએસ જામનગર ક્રાઇમ બ્રાંન્ચ સહીતની ટીમોએ સાત શખ્સોની ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસે મુખ્ય કાવતરાખોર જયેશ બંને હત્યારાઓ સહીત હત્યામાં સંડોવાયેલા શખ્સો સામે કોર્ટમાં ચાર્જશીટ પણ રજુ કર્યું હતું. આટલું જ નહીં આ હત્યા કેસમાં સરકાર દ્વારા ખાસ સરકારી વકીલની નિમણુંક કરવામાં આવી છે. જોકે આ હત્યાકાંડનો મુખ્ય કાવતરાખોર મનાતો ભુમાફિયા જયેશ ઉપરાંત મુખ્ય બંને હત્યારાઓ હજુ સુધી ફરાર છે અને દેશની બહાર હોવાનું માનવામાં આવી રહ્યુ઼ં છે. આ સ્થિતિમાં જામનગર સહીત સૌરાષ્ટ્રભરમાં ભારે સનસનાટી મચાવનારા આ હત્યા કેસની તપાસ હવે સીઆઇડી ક્રાઇમને સોંપાતા આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.

જામનગરના વકીલ કીરીટ જોશીની હત્યા નિપજાવનાર બંને મુખ્ય હત્યારાઓ અને હત્યાનો મુખ્ય કાવતરાખોર જયેશ પટેલ હત્યાના બનાવ બાદ દેશ છોડીને જતા રહ્યા હોય મળી આવતા ન હોય આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે.

(3:53 pm IST)