સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

મોરબી જિલ્લા પાટીદાર સમાજમાં ઘડિયા લગ્નને આવકાર : એક માસમાં ૨૦થી વધુ લગ્નો

મોરબી તા. ૧૬ : પાટીદાર સમાજ પ્રગતિશીલ અને પરિવર્તનશીલ રહ્યો છે, પાટીદાર સમાજ સમયની સાથે તાલ મિલાવી, સમયની જરૂરિયાત અનુસાર આગળ વધે છે,સમાજનાઙ્ગ પરંપરાગત રિવાજોને દૂર કરવા જેવા કે મૃત્યુ પછી પ્રેત ભોજન એટલે કે 'દાળા'ની પ્રથાને તિલાંજલિ આપવી, બેસણાંમાં રકતદાન કેમ્પ કરવો, આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન, દિવંગતોના બેસણાંમાં વૃક્ષારોપણ માટે રોપાનું વિતરણ વગેરે પ્રવૃત્તિ બાદ હવે ઘડિયા લગ્નની શુભ શરૂઆત કરવામાં આવી છે જેને સારો એવો આવકાર મળી રહ્યો છે.

પૈસાદારોની સાથે ગરીબ અને મદયમવર્ગીય પરિવારો પણ લગ્નમાં પણ દેવું કરીને લખલૂટ ખર્ચ કરવા લાગ્યા, આમાંથી બચવા માટે પાટીદાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષે પાટીદાર પરિવારના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેને સમાજ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો અને દરવર્ષે ઘણાં બધા પરિવારો સમૂહ લગ્નનો લાભ લે છે, પણ પાટીદાર સમાજના અગ્રણીઓએ આટલેથી સંતોષ ન માન્યો, હજુ પણ આ સમાજ લગ્નવિધિમાં મોટો અને ખોટો ખર્ચ કરે છે એવું એમને લાગ્યું એટલે સમાજહિતમાં કામ કરતી પાટીદાર સંસ્થાઓ સમૂહ લગ્ન સમિતિ,કડવા પાટીદાર સેવા સમાજ, ઉમા સમાધાન પંચ, ઉમિયા માનવ સેવા મંડળ વગેરે સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા ઘડિયા લગ્નની શરૂઆત કરી છે જેમાં સમાજને સાચી દિશા આપવા માટે સમાજના મોભીઓ દીકરા-દીકરીના ચાંદલા-ચુંદડીના પ્રસંગમાં પહોંચી જાય કન્યા તથા કુમાર પક્ષના લોકોને રાજી કરે અને ત્યાં જ ઉપસ્થિત સગા વ્હાલા સબધીઓ,વડીલો, વર-વધુનું સન્માન કરે માં ઉમાના આશીર્વાદ આપે અને ચાંદલા ચૂંદડીની જગ્યાએ ચાર ફેરા ફરવાની વિધિ સંપન્ન કરાવે,આવી રીતે છેલ્લા એક મહિનામાં વીસ જેટલા લાભ પાંચમના શુભ દિવસે પાંચ ઘડિયા લગ્ન લેવડાવી લાખો રૂપિયાની બચત કરાવવામાં યશભાગી બન્યા છે તો બુધવારે નાની વાવડી ગામે વધુ એક ઘડિયા લગ્ન લેવાયા હતા અને ગામોગામના પાટીદાર સમાજ આ નવા ટ્રેન્ડને આવકારીને તેને અનુસરી રહ્યા છે.

(1:15 pm IST)