સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

ભાવનગર રેલ્વેના કલાસ-ર ઓફીસરના ઘરમાંથી અઢી લાખની ચોરી

તસ્કરો રોકડ-ઘરેણા અને રેલ્વેના લેપટોપ પણ ચોરી ગયા

ભાવનગર, તા. ૧૬ : ભાવનગર શહેરના કાળીયાબીડ-સાગવાડી વિસ્તારમાં રહેતા રેલ્વેના અધિકારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા ઘરેણા મળી કુલ રૂ. ર,પ૧,પ૦૦ની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં.

 

વિગતો મુજબ શહેરના કાળીયાબીડ વિસ્તારમાં સાગવાડી પ્લોટ નં. ૩૩૮/ર૪૪માં રહેતા યુધિષ્ઠીરકુમાર ધામીના બંધ મકાનના દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશી કબાટના તળા તોડી અંદર રહેલા સોના-ચાંદીના દાગીના, લેપટોપ અને રોકડ રૂ. ૧,૬પ,૦૦૦ મળી કુલ રૂ. ર,પ૧,પ૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી છૂટયા હતા.

જે મકાનમાં ચોરી થઇ છે તે યુધિષ્ઠીરકુમાર ધામી મુળ રાજસ્થાનના જોધપુરના વતની છે અને હાલ ભાવનગર રેલ્વેમાં કલાસ-ર અધિકારી તરીકે નોકરી કરે છે. તસ્કરોએ તેના મકાનમાંથી રોકડ તથા ઘરેણા ઉપરાંત બે લેપટોપની પણ ચોરી કરી છે તે લેપટોપ રેલ્વેના હોવાનું જાણવા મળેલ છે તે તેના વતન જોધપુર ગયા હતાં ત્યારે ભાવનગરના તેના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરી કરી હોવાનું એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયાયેલ ફરીયાદમાં જણાવાયું છે.

ચોરીના આ બનાવની જાણ થતા જ એ-ડીવીઝન પોલીસ, એલસીબી, ડોગસ્કવોડ, ફોરેન્સીક લેબના નિષ્ણાંત સહિતનો કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. બનાવની તપાસ પી.આઇ. આર.એસ. રેવર ચલાવી રહ્યા છે.

(12:13 pm IST)