સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

વાંકાનેર પાલિકા દ્વારા વિકાસના કામો ન થતા ૧૧ સભ્યોએ મુખ્યમંત્રીને પત્ર પાઠવતા રાજકીય ગરમાવો

વાંકાનેર, તા. ૧૬ :. વાંકાનેર નગરપાલિકામાં તોતીંગ બહુમતીવાળી ભાજપની સત્તા છે અને અન્ય કનેકટેડ પાર્ટીનું સમર્થન હતું. વાંકાનેરના મતદારોએ ખોબેને ખોબે ભાજપ ઉપર વિશ્વાસ રાખી સ્પષ્ટ બહુમતી આપી કારણ કે વાંકાનેર પછાત સીટી છે. તેનો પુરતો વિકાસ થાય અને તેના તમામ સાત વોર્ડમાં પ્રાથમિક સુવિધા મળે આવી આશા હતી પણ ચૂંટાયેલ આ બોડીને ત્રણ વર્ષ થયા તેમ છતા વિકાસના નામે મીંડુ છે. તેના મૂળમાં ભૂગર્ભ યોજના છે. આ યોજનાથી વાંકાનેર સીટીના સાતેય વોર્ડના તમામ શેરી-ગલ્લીઓ અને મેઈન રોડને ખોદી નાખી ભૂગર્ભ યોજના બેસાડેલ તેના કારણે રસ્તાઓ-ગલ્લી-શેરીઓ ધૂળધાણી છે. ભૂગર્ભ ગટર યોજના ઘણા સમયથી પૂર્ણ થયેલ છે પણ નગરપાલિકાના સત્તાધીશ આ યોજના ચાલુ કરાવવામાં અંગત રસ લેતા નથી જેથી ભૂગર્ભ ગટર યોજના ગોકળ ગતિએ ચાલે છે...! જ્યાં સુધી આ યોજના ચાલુ ના થાય ત્યાં સુધી કોઈ બીજી પ્રવૃતિ ન થાય જેના કારણે સાતેય વોર્ડમાં શેરી-ગલ્લી કે મેઈન રોડોમાં ધાબાકામ થતા નથી અને ગામ આખુ ધુળીયુ છે. ધૂળની ડમરીઓ ઉડે છે અને વાંકાનેરની જનતા પારાવાર મુશ્કેલી ભોગવે છે. વાંકાનેર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તો ખૂબ જ ખંતિલા છે. બધાને પોતાના વોર્ડમાં કામ થાય તેવી લાગણીને માંગણી અવાર નવાર કરતા જ રહે છે પણ વાંકાનેર નગરપાલિકામાં એક હથ્થુ શાસન છે તેના કારણે સ્વતંત્રતા જેવું કશું છ જ નહિં ! અને પાલિકાના સભ્યો શોભાના ગાંઠીયા સમાન છે તેના કારણે સભ્યોની રજુઆતો સાંભળવામાં આવતી નથી અને પોતાની મનમાની મુજબ વહીવટ કરે છે. આવી બાબતોથી વાજ આવી ગયેલા ભાજપ અને કનેકટેડ સભ્યોએ પાલિકાના એકહથ્થુ વહીવટ સામે અવાજ ઉઠાવેલ છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાલિકાના ૧૧ સભ્યો ભાટી એન. (વોટર વર્કસ ચેરમેન) જાકિર બ્લોચ (સેનિટેશન ચેરમેન), જયંતિભાઈ ઘરોડીયા (માજી ઉપપ્રમુખ), ચંપાબેન ચતુરભાઈ પનારા, ગોવિંદભાઈ રાઠોડ (રાજા), સોલંકી કંકુબેન એન. અમુભાઈ ઠાકરાણી, જોસનાબેન મકવાણા, સલીમભાઈ મેસાણીયા, શરીફબેન- મહમદ રાઠોડ, જયશ્રીબેન હરજીવન મકવાણાએ જણાવેલ છે કે વોર્ડમાં કોઈ જ કામ ન થયેલ હોવાથી મતદારો કામ માંગે છે અને ગંદકીના થર દુર કરાવવા અને રોડ-રસ્તાના કામો કરાવવાની માંગણી કરે છે પણ એકહથ્થુ શાસનના કારણે ધ્યાને લેવામાં જ આવતી નથી. સભ્યો વાજ આવી ગયા છીએ. પ્રજા પાસે જઈ શકતા નથી. સરકાર શ્રી તરફથી કરોડોની ગ્રાન્ટ આવીને પડી છે તમામ વોર્ડની શેરી-ગલ્લી-રસ્તાઓના કામો પાસ થઈને પડયા છે. વાંકાનેર નગરપાલિકામાં જ કરોડોનું સ્વભંડોળ પડયુ છે પણ કેમ વિકાસના કામો થતા નથી. મતદારો પાસે બદનામ થઈએ છીએ. આ બાબતે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મહામંત્રી હિરેન પારેખ, સ્થાનિક આગેવાન ગુલમામદ બ્લોચને રજુઆતો કરી હતી. આમાથી ભાજપના સદસ્યોએ એવું જણાવેલ કે આગામી સાંસદની ૨૦૧૯ની ચૂંટણીમાં પ્રજા પાસે મત માંગવા જવુ કપરૂ છે. આવતા દિવસોમાં ત્રણથી ચાર સબ્યો આ જુથ સાથે જોડાશે. તેવી ચર્ચા ચાલે છે. આ બનાવથી વાંકાનેર પાલિકામાં ભૂકંપ આવી ગયો છે અને રાજકારણમાં ઓચિંતો ગરમાવો આવી ગયો છે.

(12:09 pm IST)