સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

આટકોટમાં ટ્રક અને બસ વચ્‍ચે અકસ્‍માતમાં ટ્રક જીવનભાઇ પટેલ પર ફરી વળતા મોત

જીવનભાઇ સુરતથી જૂનાગઢ પરિક્રમામાં જતા હતાઃ આટકોટ હોટલમાં ચા પીવા બેઠા'તા

આટકોટ તા. ૧૬ : આટકોટ બસ સ્‍ટેન્‍ડ ઉપર લોખંડ ભરેલા ટ્રક અને એસ. ટી. બસ વચ્‍ચે અકસ્‍માત સર્જાતા રોડની સાઇડમાં બેઠેલા બાબરા તાલુકાનાં નડાળા ગામનાં પટેલ યુવક ઉપર ટ્રક ફરી વળતા યુવકનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે સાડા છ વાગ્‍યા આસપાસ સુલતાનપુર-બાપુનગર રૂટની એસ. ટી. બસ નં. જીજે-૧૮-૧૩૭૭ અને ટ્રક નં. જી. જે. ર૧-ટી-૭પ૩૯ વચ્‍ચે ધડાકાભેર અકસ્‍માત સર્જાયો હતો.

એસ. ટી. બસ આટકોટ બસ સ્‍ટેન્‍ડમાં અંદર ઉતરવા ટર્ન લેતી હતી એ દરમિયાન પાછળથી આવતા ટ્રકનાં ડ્રાઇવરે એસ. ટી.  બસ સાથે ટ્રકની ટકરાય એ માટે ટ્રકને સાઇડમાં લેતા ટ્રક બેકાબુ બની ગયો હતો. અને રોડની સાઇડમાં આવેલ હોટલે ચા પીવા બેઠેલા બાબરા તાલુકાનાં નડાળા ગામના લેઉવા પટેલ યુવક જીવનભાઇ ઠાકરશીભાઇ ઢોલરીયા ઉપર ટ્રક ફરી વળતા જીવનભાઇનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું.

જીવનભાઇ બાબરા તાલુકાના નડાળા ગામના રહેવાસી છે. અને હાલ સુરત ખાતે રહે છે. ત્‍યાં એમ્‍બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે તેમને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી છે જીવનભાઇ આજે સવારે જ સુરતથી આટકોટ બસમાં ઉતરી નડાળા જવા બસની રાહ જોઇ હોટલ ઉપર ચા પીવા બેઠા હતાં. અને આ બનાવ બનતા ઘરે પહોંચવાને બદલે  ભગવાનના ધામમાં પહોંચી ગયા હતાં. જીવનભાઇ નડાળા જઇ આવતીકાલે જૂનાગઢ પરીક્રમમાં પણ જવાના હતાં.

ઉલ્લેખનીય છે કે આ અકસ્‍માતમાં ટ્રકના ડ્રાઇવરે સમય સુચકતા વાપરી ટ્રક સાઇડમાં ન લીધો હોત તો એસ. ટી. બસમાં ચિક્કાર બેઠેલા પેસેન્‍જરોની શુ હાલત થાત તે કંપારી છૂટાવી દે તેવુ બનત.

આટકોટ બસ સ્‍ટેન્‍ડ ઉપર બંને તરફ દુકાનો હોય સતત ભીડ રહે છે અને હાઇવે રોડ હોય વાહનો ફુલ સ્‍પીડમાં દોડતા હોય છે.  અને આવા નાના મોટા અકસ્‍માતો છાશવારે બનતા હોય બસ સ્‍ટેન્‍ડની બંને તરફ સ્‍પીડ બ્રેકર મુકવાની ગ્રામજનોની માંગણી છે.

(12:02 pm IST)