સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

હનુમાનજી મહારાજ સ્વયં શિવજીના અવતારઃ ડો.ગિરીશભાઈ શાસ્ત્રી ભાવનગરમાં શિવગાથા જ્ઞાનયજ્ઞનું સમાપનઃ મહાનુભાવોના હસ્તે મહાઆરતી

રાજકોટઃ સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ આયુર્વેદ ડો.જયેશ પરમાર અને ડો.ચૈતાલી પરમાર દ્વારા ભાવનગર (સિંધી સાર્વજનિક ધર્મશાળા, સંત પ્રભારામ હોલ, જુનુ સિંધુનગર) ખાતે આયોજીત શિવગાથા જ્ઞાનયજ્ઞનું આજે સમાપન થયું છે. રાજકોટ નિવાસી ડો.પૂ.ગિરીશભાઈ શાસ્ત્રીએ વ્યાસાસને બિરાજી શિવલીંગ, ભસ્મ, બિલ્વપત્ર, રૂદ્રાક્ષ, શિવવિવાહ, મા પાર્વતી પ્રાગટય, ગણપતિ- કાર્તિકેય પ્રાગટય સહિતના પ્રસંગોનું મહાત્મ્ય સુંદર રીતે રજૂ કર્યું હતું. તો બેડાનૃત્ય, શિવતાંડવ, મા- બાપને ભુલશો નહિ. સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શ્રી બિહારી હેમુ ગઢવી, શ્રી ધીરૂભાઈ સરવૈયા, શ્રી રાજુભાઈ ગઢવીએ જમાવટ કરી હતી. ગઈકાલે પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીએ સંગીતમય કથામૃતનો લાભ લીધો હતો. શ્રીમતિ અંજલીબેન વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ સહિતના આગેવાનોએ આરતીનો લાભ લીધો હતો. ડો.ગિરીશભાઈ શાસ્ત્રીના સાંનિધ્યમાં ગઈકાલે દ્વાદશ જયોર્તિલીંગ મહિમા, રામેશ્વર પૂજન, શિવતાંડવ જેવા પ્રસંગો ઉજવાયા હતા. તેઓએ જણાવેલ કે શ્રી હનુમાનજી મહારાજ સ્વયં શિવજીના અવતાર છે અને અગીયારમાં રૂદ્ર તરીકે સ્વયં મહાદેવજી પોતાના ઈષ્ટદેવ શ્રી રામચંદ્રજીની સેવા માટે હનુમાનજી સ્વરૂપે સાથે રહ્યા હતા. તેઓએ હનુમાનજી મહારાજના પ્રાગટયનો અવસર સુંદર રીતે રજૂ કરેલ. દ્વાદશ જયોતિલીંગનો મહિમા સમજાવેલ.

(11:18 am IST)