સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

અનીલ ઓઝાએ કલેકટર કચેરીમાં ફરી ઉપાડો લીધોઃ મેટલ ડીટેકટર તોડી નાંખ્યું: પોલીસ સાથે ઝપાઝપીઃ ફિલ્મી દૃશ્યો

ગોંડલ જનતા સોસાયટીના પ્લોટના પ્રશ્ને : મેટલ ડીટેકટર સાથે માથા ભટકાવ્યાઃ એડી. કલેકટર સહિતના દોડી ગયાઃ કલેકટર દ્વારા ફોજદારીનો આદેશ

ગોંડલની જનતા સોસાયટીના પ્લોટના પ્રશ્ને કલેકટર કચેરીમાં અનીલ ઓઝાએ આજે ફરી ધમાલ બોલાવી ત્યારની તસ્વીર.

રાજકોટ તા. ૧૬: કલેકટર કચેરીમાં અનેક વખત ધમાલ બોલાવનાર, તોડફોડ કરનાર અને એકથી બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર રાજકોટના અનીલ ઓઝાએ આજે બપોરે ૧૧-૩૦-૧ર વાગ્યાની આસપાસ ફરી ઉપાડો લઇ ધમાલ બોલાવતા ભારે દોડધામ થઇ પડી હતી.

જામનગર રોડ ઉપર ર, સૈનિક સોસાયટીમાં રહેતા અનીલ ઓઝાએ ગોંડલની જનતા સોસાયટીમાં આવેલ પોતાની સાસુના પ્લોટ અંગે કલેકટર કચેરીમાં અનેક વખત રજુઆતો કરી હતી, કુલ ૧૬ પ્લોટ છે, અને ર૪ સભ્યો છે, અનીલ ઓઝાએ આ બાબતે દાદ માંગી પણ તંત્રે કોઇ પગલા લીધા નથી તેવો આક્ષેપ છે, અને આ આક્ષેપ સાથે આજે ફરી વખત કલેકટર કચેરીમાં તોડફોડ કરી નાંખી હતી.

અનીલ ઓઝાએ પોલીસ સિકયુરીટીની હાજરીમાં મેટલ ડીટેકટર તોડી નાંખી તેની સાથે માથા ભટકાવ્યા હતા. પરિણામે પોલીસ-સિકયુરીટી સ્ટાફ દોડી ગયો હતો, અને ઝપાઝપી સર્જાઇ હતી, ટીંગાટોળી કરી અનીલને દાબી દેવાયો હતો, ઘટનાની જાણ થતા એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા અને અન્ય અધીકારીઓ દોડી ગયા હતા, કલેકટરને જાણ કરાઇ હતી, કલેકટરે પણ તાકિદે અનીલ ઓઝા સામે ફોજદારી કરવા અને બીજી ફરિયાદ માર્ગ-મકાન વિભાગને પણ દાખલ કરવા આદેશો કર્યા હતા.

અનીલ ઓઝાએ અગાઉ આ પહેલા કલેકટર કચેરીમાં પહેલા માળેથી ઠેકડો માર્યો હતો, ઝેરી દવા પી લીધી'તી, કાચ તોડી પથ્થરમારો કર્યો હતો, સ્ટાફમાં પણ અનીલ ઓઝા સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

(3:52 pm IST)