સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

વેકેશન પૂર્ણ થતા સિંહ દર્શનનો લીલીઝંડી બતાવીને પ્રારંભ કરાવતા ડો. મોહન રામ

પ્રથમ વખત ૨૫ બહેનોની ગાઈડ તરીકે પસંદગીઃ સાસણમાં ૧૯૫ કુટુંબોને રોજગારી વધશે

જૂનાગઢ, તા. ૧૬ :. સાસણ સફારીમાં આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ છે. સવારે ગીર સેન્ચુરીમાં સુપ્રિન્ટેન્ડ ડીએફઓ ડો. મોહન રામે લીલીઝંડી બતાવીને સિંહ દર્શનનો પ્રારંભ કરાવ્યો હતો.

આજે પ્રથમ દિવસની પ્રથમ ટ્રીપમાં સંખ્યાબંધ પ્રવાસીઓ સિંહ દર્શન માટે રવાના થયા હતા.

૧૫ સિંહોના સંવનકાળ સબબ ગીર જંગલમાં સિંહ દર્શન બંધ કરાવેલ.

આજે સિંહોનું ૪ માસનું વેકેશન પૂર્ણ થતા નવેસરથી આજે સવારે નવેસરથી સિંહ દર્શનનો પ્રારંભ થતા પર્યટકોમાં ઉત્તેજના જોવા મળી હતી.

પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખી સાસણગીર સફારીમાં પરમીટમાં વધારો કરી કુલ ૧૫૦ કરવામાં આવી છે.

આ વખતે દેવળીયા પાર્કમાં પણ ૭૦ જીપ્સીની સફારી શરૂ કરવામાં આવી છે એટલુ જ નહિ સૌ પ્રથમ વખત દેવળીયા પાર્કમાં ૨૫ જેટલા મહિલા ગાઈડની પણ નિમણૂંક કરવામાં આવી છે. તેઓ સિંહ તેમજ ગીર જંગલની જૈવિક વિવિધતા અને પર્યાવરણના જતન અંગે પ્રવાસીઓને માહિતગાર કરશે.

ગીર અભયારણ્યમાં કુદરતી અવસ્થામાં વીહરતા વન્યપ્રાણીઓ, પક્ષીઓને નિહાળવા તેમજ જંગલ નિહાળવા પ્રવાસીઓ માટે પ્રારંભ થઇ ગયો છે, આ વર્ષથી રાજય સરકારશ્રીએ અગાઉના વર્ષ કરતાં સામાન્ય દિવસોમાં ૬૬ ટકા પરમીટ અને તહેવારોના દિવસોમાં ૨૦ ટકા પરમીટમાં વધારો થયેલ છે. આ તમામ પરમીટો www.girlion.in સાઇટ પરથી દેશ અને વિદેશમાંથી ઓન લાઇન બુકીંગ કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરમીટો www.girlion.in સાઇટ જ હોય અન્ય કોઇ બુકીંગ માટેની સાઇટ નથી, તેમજ કોઇ એજન્ટ સરકારશ્રી દ્વારા પરમીટ ઓન લાઇન બુકીંગ માટે માન્ય કરવામાં આવેલ નથી, જેથી તમામ ગીરમાં પધારનાર પ્રવાસીઓએ તેમની બુકીંગ પરમીટો સીધી www.girlion.in સાઇટ પરથી જ કરવાનો આગ્રહ રાખવો. ચાલુ વર્ષમાં ગત વર્ષ  કરતાં સામાન્ય દિવસોમાં ૬૬ ટકા પરમીટનો વધારો અને તહેવારોમાં ૨૦ ટકા પરમીટોનો વધારો કરવામાં આવેલ છે. આ વધારાને ધ્યાને લઇને વન્ય પ્રાણી વિભાગ સાસણ દ્વારા ગત વર્ષનાં ૭૬ ગાઈડ હતા તેમાં ૪૪ નો વધારો કરી ૧૨૦ ગાઇડોની સંખ્યા કરવામાં આવેલ છે. તેમજ પ્રવાસીઓને અભ્યારણ્યની મુલકાત કરાવવા માટેની સ્થાનિક લોકો દ્વારા વસાવેલ જીપ્સીમાં વધારો કરવામાં આવેલ છે. આમ સ્થાનિક કુટુંબો પૈકીનાં અગાઉ કરતા વધુ કટુંબોને રોજગારી મળી રહેશે.

ચાલુ વર્ષમાં સરકારશ્રી દ્વારા દેવળીયા ગીર પરિચયખંડમાં વન અને વન્યપ્રાણીઓ-પક્ષીઓને નિહાળવા પધારતા પ્રવાસીઓને ખાતાની બસમાં પાર્કની મુલાકાત કરાવવામાં આવતી હતી જેની સાથો સાથ દર એક કલાકની ૧૦ જીપ્સીઓ દ્વારા પ્રવાસીઓને દેવળીયા ગીર પરિચય ખંડની મુલાકાત કરાવવાનું પણ શરૂ કરવામાં આવેલ છે. આ પ્રવેશ પરમીટ ઓનલાઇન પણ બુકીંગ કરાવી શકાશે. આ રીતે એક દિવસમાં ૭૦ જીપ્સીઓની ટ્રીપ થશે. દેવળીયા ગીર પરિચયખંડમાં પ્રવાસીઓને મુલાકાત કરાવવા માટે ૭૦ જીપ્સીઓ ગામલોકો દ્વારા વસાવવામાં આવેલ છે. તેમજ જીપ્સી સાથે પ્રવાસીઓને માર્ગદર્શન અને માહિતી આપવા માટે ૫૦ નવા ગાઇડ લેવામાં આવેલ છે. આમ ચાલુ વર્ષથી અગાઉ કરતા વધુ કુટુંબોને રોજગારી પ્રાપ્ત થશે.

દેવળીયા ગીર પરિચય ખંડમાં પ્રવાસીઓ સાથે ગાઇડ તરીકે જવા માટે પ્રથમવાર ૨૫ બહેનોની ગાઇડ તરીકે પસંદગી કરવામાં આવેલ છે. આમ ચાલુ વર્ષથી દેવળીયા ગીર પરિચય ખંડમાં પ્રવાસીઓ સાથે મહિલા ગાઇડ જઇ પ્રવાસીઓને માહિતી પુરી પાડશે.

દેવળીયા ગીર પરિચયખંડની પ્રવાસીઓને મુલાકાત કરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવનાર જીપ્સીને જાળીથી પેક કરી ઉપયોગ કરવામાં આવશે. નવા લેવામાં આવેલ ૧૧૮ ગાઈડોને એક અઠવાડીયાની તાલીમ પ્રવાસનને લગતા નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલ છે. આમ ચાલુ વર્ષે પરમીટમાં થયેલ વધારાથી વધુ પ્રવાસીઓ રોજીંદા અભ્યારણ્યની મુલાકાત લઇ શકશે, અને દેવળીયાગીર પરિચયખંડમાં જીપ્સીમાં બેસીને વન વન્યપ્રાણીઓ, પક્ષીઓના દર્શન કરી શકશે તેમજ સાસણ ગામનાં ૧૯૫ કટુંબોને વધુ રોજગારી મળી રહેશે. તેમ નાયબ વન સંરક્ષક વન્ય પ્રાણીવિભાગ સાસણ(ગીર)ની યાદીમાં જણાવાયુ છે. (૨-

(3:33 pm IST)