ભાણવડ પાલિકા તંત્રનું સ્વચ્છતા અભિયાન નર્યું નાટક !
પોરબંદર ગેઇટ બહાર ગંદા પાણી ભરાયેલા રહેવાની રજૂઆતો છતાં કાર્યવાહી નહિ
ભાણવડ તા. ૧૬ : અહીંના પોરબંદર ગેઇટ બહાર આવેલી લાખાણી મશીનરી સ્ટોર્સની ત્રણ દુકાનો સામે જ ગટરના ગંદા પાણી કાયમી ધોરણે લાંબા સમયથી ભરાયેલા રહેતા હોઇ આ દુકાનદારે પાલિકામાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પાલિકા તરફથી કોઇ ધ્યાન આપવામાં નથી આવતું ત્યારે પાલિકા સત્તાધીશો સ્વચ્છતા અભિયાનના બેનરો મારી ગાંધી બાપુના વિચારોને લોકોમાં ફેલાવે છે તેમજ સ્વયંબાપુના સ્વચ્છતાના વિચારોને અનુસરતા હોય તેમ હાથમાં સાવરણા લઇ સફાઇ કરે છે પરંતુ જ્યારે આમ પ્રજાની ગંદકી અંગેની વારંવારની રજૂઆતો બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં ન આવે ત્યારે તેઓના દંભી પણાની પોલ ખુલી જાય છે.
શહેરમાં અનેક સ્થળે ગટરોના પાણી છલકાવા, ગંદકીના ગંજ ખડકાયેલા રહેવા સહિતના કાયમી પ્રશ્નો જોવા મળે છે અને જનતા રજૂઆતો પણ કરે છે તેમ છતાં કોઇ નક્કર કામગીરી કરવા માટે ફુરસદ જ નથી મળતી. પાલિકામાં હાલ માહોલ એ છે કે, ચુંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓમાં નાના-મોટા કામો રાખી આમ પ્રજાની સમસ્યાઓ ઉકેલવા તરફ સહેજ પણ નજર નથી.