સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

વિંછીયાના થોરીયાળી પાસે અકસ્માતમાં બે યુવાનોને ગંભીર ઈજાઃ રાજકોટ ખસેડાયા

વિંછીયાના કિશન મકવાણા અને મુકેશ બાવળીયા ગરબી જોવા જતા'તા ને કાર ચાલકે ઉડાળ્યા

 વિંછીયા, તા. ૧૬ :. ગત રાત્રીના વિંછીયાથી બે યુવા મિત્રો બાઈક લઈને પીપરડી ગામે નવરાત્રી જોવા જતા હતા તે વેળા થોરીયાળી ગામ પાસે બન્નેને ફોરવ્હીલ ચાલકે ઉડાડતા ગંભીર ઈજા થતા રાજકોટ ખસેડાયા છે. મળતી હકીકત મુજબ વિંછીયાના બે યુવાન મિત્રો (૧) કિશન પાંચાભાઈ મકવાણા (૨) મહેશ મનસુખભાઈ બાવળીયા બાઈક લઈને પીપરડી ગામ તરફ નવરાત્રી જોવા નીકળેલા, વિંછીયા બોટાદ રોડ પર થોરીયાળી ગામ નજીક જીજે ૧૮ બીડી ૬૯૧૧ નંબરની ફોરવ્હીલ ગાડીએ બન્નેને ફુટબોલની જેમ ઉડાડતા બાઈક સહિત બન્ને યુવા મિત્રો પટકાતા બન્નેને હાથ-પગ અને માથાના ભાગે ઈજા થતા પ્રથમ વિંછીયા અને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. ફોરવ્હીલનો આગળનો ભોગ ચીરાઈ ગયો છે.  ફોરવ્હીલ ચાલક અકસ્માત બાદ ગાડી રેઢી મુકીને નાસી ગયો છે. અકસ્માતની જાણ થતા જ વિંછીયા સરકારી દવાખાને લોકોના ટોળા ઉમટી પડયા હતા. આ બનાવ અંગે વિંછીયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(11:53 am IST)