સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

ગારીયાધાર પંથકમાં ફરી બીએસએનએલના ટાવરો મોબાઇલમાંથી દેખાતા જ બંધ થઇ ગયા!!

તમામ સરકારી કચેરીમાં કનેકટીવીટી ન મળતા લોકોને હાલાકી

 ગારીયાધાર તા.૧૬: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય દૂર સંચાર નિગમના ટાવરોના મેન્ટેનન્સના ધાંધીયાના કારણે શહેરની તમામ કચેરીઓમાં કનેકટીવીટીના છબરડાંઓ થતા પ્રજાજનો ભારે હાલાકી વેઠી રહયા છે. જયારે બીએસએનએલ કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓનું ઉદાસીન વલણ રહયું છે.

છેલ્લા ૧૦ દિવસથી ગારીયાધાર શહેરની નગર પાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, બેંકો, પોલીસ સ્ટેશન, બ્રોડબેન્ડ વાપરતા ગ્રાહકો અને મોબાઇલ ધારકોમાં બીએસએનએલની કનેકટીવીટીઓ ન આવતા તમામ કામગીરીઓ ઠપ્પ થઇ જવા પામી છે. ૧૦ દિવસથી તમામ સરકારી કચેરીઓમાં સંચાર નિગમના ધાંધીયાના કારણે કર્મચારીઓ અને ગ્રાહકોને ઘર્ષણો થઇ રહયા છે. કચેરીઓના અધિકારીઓ અને ગ્રાહકો દ્વારા સંચાર નિગમમાં અનેક વખત ફરિયાદો કરવા છતાં કોઇપણ પ્રકારનાં પગલાં ન લેવામાં આવતા તમામ શહેરીજનો ભારે હાલાકી વેઠતા મળી રહયા છે.

જયારે સંચાર નિગમના કેટલાક કર્મીઓને આવા ધાંધીયા વિશે પુછતા જાણવા મળ્યું હતું કે કર્મચારીઓ દ્વારા ટાવરમાં રહેલી ખામીઓનું મેન્ટેનન્સ સમયસર ન કરતા આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે. એક કલાકનુ઼ કામ હોવા છતાં કોઇપણ કર્મીને કામ ન કરવું હોય તેમ જતાં રહે છે. જેના કારણે કનેકટીવીટીના પ્રશ્નો ઉભા થયા છે.

આ પ્રશ્ને સંચાર નિગમના જિલ્લાના અધિકારીઓ દ્વારા ગારીયાધારમાં કામચોર કર્મીઓની શાન ઠેકાણે લાવવા દંડનીય પગલા લેવાય અને કનેકટીવીટીના પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવું લોકો ઇચ્છી રહયા છે.(૧.૧)

(9:49 am IST)