સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

ગોંડલ રાજયમાં સાયકલ માટે પણ રાજવી ભગવતસિંહે નિયમો ઘડયા હતા

હેલ્મેટ-પીયુસી-વીમા સહિતની ઝુંબેશે અતિતની રસપ્રદ યાદો તાજા કરી : કોઇ પણ જાતના કરવેરા વસુલ કર્યા વગર કરકસરથી રાજ ચલાવતાઃ રાજાશાહી યુગમાં ગોંડલ રાજમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ અમલમાં મુકેલઃ રોડ-રસ્તા કામનું જાતે નિરીક્ષણ કરતા

રાજકોટ, તા., ૧૬: દેશભરમાં ટ્રાફિક  નિયમનના વિવિધ કલમોના ભંગ બદલ મંદીના યુગમાં અ-ધ-ધ દંડ નક્કી કરતા કાયદાને કારણે લોકોમાં ભારોભાર રોષ ફેલાવા સાથે સોશ્યલ મીડીયામાં તંત્ર અને  સરકાર પર માછલા ધોવાઇ રહયા છે.  ઠેર-ઠેર પોલીસ સાથે સંઘર્ષના વધતા બનાવો ધ્યાને લઇ ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમોનો  જડતાથી અમલ ન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.  તેવા સમયે ભુતકાળમાં આવા કોઇ નિયમો હતા કેમ? તે જાણવાની ઉત્કંઠા થાય તે સ્વભાવીક છે.

ગોંડલના રાજવી સર ભગવતસિંહજી કે જેમના શાસન હેઠળ ધોરાજી પણ આવતું  તેવા આ રાજવી પ્રજાવત્સલ અને દુરંદેશા રાજવી હતા. તેઓ કોઇ પણ જાતના કરવેરા વગર રાજય ચલાવવા માટે જાણીતા હતા.  તેઓનું રાજય બિલકુલ કરકસરથી ચાલતું આ રાજવીના કાર્યકાળ દરમિયાન ટાઉન પ્લાનીંગ સ્કીમ પણ અમલમાં મુકાઇ હતી અને પ્રજાનું તેઓ ખુબ જ વાલી માફક ધ્યાન રાખતા.

સર ભગવતસિંહજીએ દરેક બાબતના ચોક્કસ નિયમો ઘડેલા.  સાયકલ ચલાવનારે જમણી બાજુ વળવુ હોય ત્યારે પાછળ આવનારને જાણ થાય તે માટે જમણીબાજુ  હાથ લાંબો કરી નિશાની આપવી, સાયકલ ઉભી રાખવી હોય તો કોણી ખંભાની સમાંતર રાખી નિશાની બતાવવી. ફુટપાથ પર લોકોની સલામતી જોખમાય તે રીતે સાયકલ ચલાવવી નહિ.

પોલીસ દ્વારા જયારે સાયકલ ઉભી રાખવા કહેવામાં આવે ત્યારે સાયકલ ઉભી રાખી દેવી. સાયકલ ભાડે રાખનાર લોકો ગુનો કરે તો કેને ભાડે સાયકલ આપેલી ?  તેની તમામ માહિતી સાયકલ ભાડે આપનારે અપ ટુ ડેટ રીતે રાખવી પડતી. ઉપરોકત નિયમના ભંગ બદલ મે માસની ૧૯૩૦ની સાલમાં પાંચ રૂપીયા દંડની જોગવાઇ પણ સર ભગવતસિંહજી દ્વારા કરવામાં આવેલ. પોતાને ત્યાં મહેમાન તરીકે આવનાર મહેમાન  એક દિવસ મહેમાન ગણાય, બીજા દિવસથી તેને નિયમ મુજબ ચાર્જ આપવો પડતો. ભગવત ગૌ મંડળ નામનું ઐતિાસિક શબ્દ કોષ તેઓએ જ તૈયાર કરાવેલ હતો. (૪.૩)

(12:15 pm IST)