સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

કોડીનારના પેઢાવાડાના મહિલા સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત રજુ

કોડીનાર તા.૧૩: કોડીનાર તાલુકાના પેઢાવાડા ગ્રામ પંચાયતના મહીલા સરપંચ સામે ઉપસરપંચ સહિત ૬ સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત રજૂ કરતા કોડીનાર તાલુકાના રાજકારણમાં ગરમાવો ફેલાયો છે.

પેઢાવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિતના ૬ સભ્યોએ કોડીનાર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ મહીલા સરપંચ ઉષાબેન રણધીરભાઇ વાળા વિરૂધ્ધ અવિશ્વાસની પ્રસ્તાવની દરખાસ્ત રજુ કરતો પત્ર પાઠવ્યો છે.

અવિશ્વાસની દરખાસ્તમાં જણાવ્યું હતું કે સરપંચ ઉષાબેન રણધીરભાઇ વાળા પોતાની રીતે મનસ્વી વર્તન કરી વહીવટ કરતા હોવાનું અને સરપંચના પતિ અને પુત્રો પંચાયતમાં કામમાં દખલગીરી કરી રહ્યા હોય અને સરપંચની કાર્યપધ્ધતિ પણ બરોબર ન હોય તેની સામે ઉપસરપંચ રણજીતભાઇ ઘેલાભાઇ ઝાલા, સભ્યો દૂધીબેન દેવાભાઇ સોલંકી, ઉજીબેન કાળુભાઇ ઝાલા, શાંતિબેન નારણભાઇ સોલંકી, ધીરૂગીરી રામગીરી મેઘનાથી અને રાજીબેન મુળજીભાઇ વાળા સહિતના ગ્રામ પંચાયતના ૬ સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત કરી છે.

આમ મહિલા સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ દરખાસ્તથી કોડીનારના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

(12:14 pm IST)