સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

ફિલ્મ પ્રોડયૂસર અને બાગેશ્રી ડેવ.ના ડાયરેકટર બીજલ મહેતાની ભુજમાં ધરપકડ

ભુજ તા.૧૬: અરબાજ ખાન અને સની લીયોનીને ચમકાવતી તેરા ઈંતજાર ફિલ્મના પ્રોડયુસર અને બાગેશ્રી ડેવલોપર્સના ડાયરેકટરની આખરે પોલીસે ધરપકડ કરી છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮માં બાગેશ્રી ડેવલોપમેન્ટ પ્રા.લી.ના ડિરેકટર્સ બીજલ જયેશ મહેતા સામે બોગસ દસ્તાવેજ બનાવી બાંધકામ કરી અને દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કર્યાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ હતી. ફરિયાદ બાદ પણ પોલીસ પકડથી દુર રહેલા બાગેશ્રીના મહેતાની આખરે શનિવારે પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા તેને બે દિવસના રિમાન્ડ પર લેવાનો આદેશ કોર્ટ દ્વારા કરાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ, ૨૦૧૬માં આચરવામાં આવેલા ગુના અંગે તથા વર્ષ ૨૦૧૮માં બોગસ દસ્તાવેજ બનાવાનો કેસ અંજાર પોલીસ મથકે નોંધાયો હતો. આ અંગે પ્રથમ ફરિયાદ સુરતના અનિતા પવન હિંગોરાણીએ નોંધાવી હતી. જેમાં ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરીટી આદિપુરના ખોટા દસ્તાવેજોના પ્લોટની સ્કિમ કરી છેતરપિંડી કરી હતી. જેથી અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, અન્ય ફરિયાદ જીડીએના કર્મચારી ભગવાનભાઈ ઓધવદાસ કલ્યાણી (રહે. એસ.બી.એકસ ૬૫ ગાંધીધામ)એ નોંધાવી હતી. જેમાં તેની વિરૂદ્ધ સરકારી રેકર્ડ અને જીડીએની રજાચીઠ્ઠી નં. ૪૧૩૭/આર તા. ૨૯/૧૦/૨૦૧૩ ગામ વરસામેડી રે.સ.નં ૪૭૪ પ્લોટ નં ૧૩૫ થી ૧૫૪ સુધીના બનાવટી રીતે ઉપજાવી કાઢી અને કલેકટર કચેરીના સક્ષમ અધિકારીના બનાવટી સહી સિક્કાનો ઉપયોગ કરી ગુનો કર્યો હતો. બે કેસ બાદ તે પોલીસ પકડથી દુર રહ્યો હતો, ત્યારે શનિવારના પોલીસે સવારે ૧૧ વાગ્યે તેની અટકાયત કરી લીધી હતી અને તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ પર લેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેની વધુ તપાસ અંજાર નાયબ પોલીસ અધિક્ષકે શરૂ કરી છે.

(12:05 pm IST)