સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

ભાણવડમાં ઘર કરી ગયેલા રેઢીયાર ઢોરોની સમસ્યા

સતાધિશોની કુંભકર્ણ નિંદ્રા ઉડાડવા લોક આંદોલન એકમાત્ર શસ્ત્ર

ભાણવડ તા.૧૬ : શહેરમાં રેઢીયાર ઢોરોનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર બની રહ્યો છે તેમ છતા પાલિકા સતાધિશો શહેરીજનોની સાથે મશ્કરી અને ઘોર ઉપેક્ષા કરી રહ્યા હોય તેમ સહેજપણ ગંભીર નથી ત્યારે પ્રજાએ સતાધિશોની નિંદ્રા ઉડાવવા અને પોતાના માટે જીવલેણ બની ગયેલ આ રેઢીયાર ઢોરોના પ્રશ્ને લોક આંદોલનનો માર્ગ અપનાવવો જ રહ્યો.

શહેરમાં છેલ્લા પાંચેક વર્ષના બનાવો જોઇએ તો રેઢીયાર ઢોરોને કારણે છાશવારે લોકો અકસ્માતનો ભોગ બન્યા છે જેમાં અનેક લોકો લાંબા ગાળા સુધી પથારીવશ થયા છે તો કેટલાક પોતાના જીવ પણ ગુમાવ્યા છે પરંતુ પાલિકા સતાધિશો તેમજ ચીફ ઓફીસર માટે આ લોકપ્રશ્ન કોઇ ગંભીર બાબત જ ન હોઇ તેવુ વર્તન કરાઇ રહ્યુ છે કારણ કે આ પ્રશ્ને વારંવાર પાલિકામાં રજૂઆતો કરાઇ છે.

રાજય અને કેન્દ્ર સરકાર લોકોની સુખાકારી અને સુવિધાઓ માટે અઢળક નાણાની લ્હાણી કરી રહી છે ત્યારે આ નાણાનો ઉપયોગ લોકોપયોગી કામોમાં ખર્ચ કરવાની ફરજ જે તે સ્થાનિક સતાધિશો અને અધિકારીઓની હોય છે પરંતુ ભાણવડમાં જાણે પ્રજાની સુખાકારી સાથે સતાધીશો અને ચીફ ઓફીસરને કોઇ લેવાદેવા જ ન હોય તેમ લોકો માટે અતિ ગંભીર એવી આ સમસ્યાને હલ કરવાની દાનત જ ન હોય તેવુ જોવા મળી રહ્યુ છે અને જયારે પણ કોઇ રજૂઆત લઇ જાય ત્યારે ભંડોળનું બહાનુ ધરી પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી રહ્યા છે.

ભોગ બનનારી પ્રજાનો રોષ હવે ચરમસીમાએ પહોચી ગયો છે અને આ ગંભીર મુદ્દે લોકઆંદોલનનો માર્ગ અપનાવવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી. શહેરની સાંકડી ગલીઓથી લઇ મોટા રસ્તાઓ પર જયા નજર કરો ત્યા રેઢીયાર ઢોરોના અડીંગા જોવા મળે છે. ગંભીર અકસ્માતોના કારણો બની રહ્યા હોય પ્રજાએ જ જવાબદાર તંત્ર સામે બાંયો ચડાવવી અનિવાર્યબની ગઇ છે.

(12:04 pm IST)