સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th July 2018

જસદણ પાલિકાનાં બદલે કાલની કારોબારી બેઠક સેવા સદનમાં કેમ?

જસદણ તા. ૧૬ :.. જસદણ નગરપાલીકાની પ્રથમ કારોબારી બેઠક મંગળવારના રોજ બોલાવવામાં આવી છે. જેમાં ભ્રષ્‍ટાચારના જે લાખો રૂપિયાના ચૂકવાયેલા બિલો પસાર થશે. તેનો સભ્‍યો વિરોધ કરશે.

શહેરની નગરપાલીકામાં વિવિધ કામોના કોન્‍ટ્રાકટરો અને વેપારીઓને લાખો રૂપિયાના બિલો ચૂકવાય છે. અને એકપણ કામમાં ભલીવાર નથી થઇ હાલ કોંગ્રેસ અને ભાજપ ભાઇ-ભાઇ થઇ જતાં પાલિકામાં એકપણ જાતની તપાસ થતી ન હોવાથી પાલિકા માથે વિજ અને પાણીનાં કરોડો રૂપિયાનું દેવું છે. એવું ખૂદ કારોબારી ચેરમેન બિજલ ભેંસજાળીયા જાહેરમાં કહે છે.

ત્‍યારે મંગળવારની કારોબારી બેઠકમાં તડાંફડીના એંધાણ છે. નગરપાલીકામાં સભાખંડ હોવા છતાં મંગળવારે બપોરે ત્રણ કલાકે તાલુકા સેવા સદનમાં આ બેઠક કેમ રાખવામાં આવી ? તે અંગે સભ્‍યોમાં અનેક ચર્ચા સાંભળવા મળે છે. પાલિકાની પ્રથમ કારોબારી બેઠક અંગે સમિતિના દરેક સભ્‍યોને એજન્‍ડા પાઠવવામાં આવ્‍યા છે. જેમાં કુલ મળી આઠ એજન્‍ડા લેવામાં આવ્‍યા છે. જો કામો શંકાસ્‍પદ હશે તો કારોબારીમાં પસાર થવા નહી દેવાય. એવી ચોખ્‍ખી વાત કારોબારી બેઠક પહેલા ચેરમેન બિજલ ભેસંજાળીયાએ કહી છે.

(12:28 pm IST)