સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

ભૂજ, ધ્રોલ અને વાઘોડિયાની શાળાને રાજ્યની સર્વશ્રેષ્ઠ શાળા તરીકે ઇનામ

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ હસ્તે શાળા સંચાલકોનું સન્માન

ગાંધીનગરમાં રાજ્યની ત્રણ સર્વશ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામેલી શાળાઓના સંચાલકોને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે સન્માનિત કરાયેલ તે પ્રસંગની તસ્વીરમાં શાળાઓ માટે કમિશનર એસ.એ.પટેલ સંયુકત  શિક્ષણ નિયામક એચ.એન. ચાવડા વગેરે ઉપસ્થિત છે.

રાજકોટ,તા. ૧૬: રાજયની શાળાઓની ગુણવત્ત્।ા સર્વોત્ત્।મ કક્ષાએ લઈ જવાના ઉદ્દેશ સાથે રાજય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાઓને પ્રોત્સાહક ઇનામ આપવા અંગે વર્ષ ૨૦૧૩-૧૪થી શરૂ કરવામાં આવેલી 'શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઇનામ' યોજના અંતર્ગત રાજયના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજયકક્ષાએ પસંદગી પામેલી ત્રણ સર્વશ્રેષ્ઠ શાળાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે આવેલી શાળાને રૂ.૫ લાખ, દ્વિતીય ક્રમે આવેલી શાળાને રૂ.૩ લાખ અને તૃતીય ક્રમે આવેલી શાળાને રૂ.૨ લાખ ઇનામ પેટે આપી મંત્રી શ્રી ચુડાસમાના હસ્તે પ્રમાણપત્ર તેમજ ટ્રોફી એનાયત કરી શાળા સંચાલકોને યોગ્ય પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવ્યું હતું.

જિલ્લા-રાજય કક્ષાની  શાળાઓ શ્રેષ્ઠ શાળા બનવા પ્રેરાય તે આશય સાથે રાજય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાને પ્રોત્સાહક ઈનામ આપવાની યોજના વર્ષ ૨૦૧૩-૧૪થી અમલી બનાવવામાં આવી છે. દર વર્ષે શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઈનામ યોજના અંતર્ગત દરેક જિલ્લાની ૧ થી ૩ ક્રમની શ્રેષ્ઠ શાળાને રૂ. ૧ લાખ ઈનામ પેટે આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલી શાળાની રાજયકક્ષાની સ્પર્ધા માટે પસંદગી થાય છે ત્યારબાદ તમામ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવેલી શાળાઓ પૈકી રાજયકક્ષાની પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકની શ્રેષ્ઠ શાળા પસંદ કરવામાં આવે છે. રાજય કક્ષાએ પ્રથમ ક્રમે પસંદગી પામેલી શાળાને રૂ.૫  લાખ, દ્વિતીય ક્રમે પસંદગી પામેલી શાળાને રૂ. ૩ લાખ અને તે જ રીતે તૃતીય ક્રમે આવેલી શાળાને રૂ. ૨ લાખ ઈનામ પેટે આપવામાં આવે છે.

વર્ષ ૨૦૨૦-૨૧માં જિલ્લા કક્ષાએ કુલ ૬૨ શાળાને આ યોજનાનો લાભ મળ્યો છે. તે પૈકી રાજય કક્ષાએ પસંદગી પામેલી ત્રણ શાળાઓના સંચાલકોને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમના કાર્યાલય ખાતે પ્રોત્સાહક ઈનામ આપી સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.  જેમાં પ્રથમ ક્રમે પસંદગી પામેલી કચ્છ જિલ્લાની ભૂજ ખાતે આવેલી શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયને રૂ.૫ લાખ, દ્વિતીય ક્રમે પસંદગી પામેલી જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી શ્રી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયને રૂ.૩ લાખ અને તૃતિય ક્રમે પસંદગી પામેલી વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આવેલી વિવેકાનંદ ઉચ્ચતર ઉ.બુ.વિદ્યાલયને રૂ.૨ લાખ પ્રોત્સાહક ઈનામ આપી તેના સંચાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કમિશનર શાળાઓની કચેરીના કમિશનર શ્રી એસ.એ. પટેલ, સંયુકત શિક્ષણ નિયામક શ્રી એચ.એન.ચાવડા તેમજ આ યોજના અંતર્ગત રાજયકક્ષાએ પસંદગી પામેલા શાળાઓના સંચાલકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:35 am IST)