સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th June 2019

ગોંડલના મોવિયા ખાતે કાર પલ્ટી ખાતાં બે યુવકના મોત

મોવિયા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે અક્સ્માત : ઇજાગ્રસ્ત થયેલા યુવકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા : ગોંડલ પોલીસની સમગ્ર મામલામાં તપાસ

અમદાવાદ, તા.૧૬ : ગોંડલ તાલુકાના મોવીયા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે ગત મોડી રાત્રે એક કાર પલ્ટી મારી જતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ યુવકોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવને પગલે ખાસ કરીને બે યુવકોના ઘટનાસ્થળે જ મોતના સમાચાર જાણી સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં, આ અકસ્માતનો ભોગ બનેલાં તમામ યુવકો ગોંડલના હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં મયંક માલવીયા અને અર્જુન દુધરેજીયા નામના યુવકોનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, જયારે આ ગમખ્વાર અક્સ્માતમાં વિજય રામાણી, સાગર વિરડીયા અને ઇન્દ્રજીતસિંહ જાડેજા નામના યુવકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને બે યુવકોના મોતને લઇ સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. સ્થાનિક પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

(7:48 pm IST)