સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th June 2019

જામનગરમાં વૈજનાથ મહાદેવ મંદિરમાં ભગવાનને ઘરેલ થાળ લેવા મામલે ટ્રસ્ટીઓ અને પૂજારી વચ્ચે મારામારી !!

પોલીસ દોડી આવ્યા બાદ બન્ને પક્ષોની સામ-સામી ફરીયાદ નોંધી

 

જામનગર: શહેરના વૈજનાથ મહાદેવના મંદિરમાં ટ્રસ્ટીઓ અને પુજારી વચ્ચે ભગવાનને ધરેલા થાળ લેવા બાબતે મારા-મારી થતાં ભારે અફડા-તફડી મચી ગઈ હતી કોઈએ ફોન કરતાં પોલીસ દોડી આવ્યા બાદ બન્ને પક્ષોની સામ-સામી ફરીયાદ નોંધી છે.

 મંદીરના ટ્રસ્ટી દિપકભાઈ શેઠએ  ફરીયાદ નોંધાવી છે કે, મંદીરમાં સેવા-પુજા કરતાં અજયભાઈ ભગવાનપુરી ગોસાઈએ મંદિરમાં ધરાવેલ થાળમાંથી લાડુ ધરાવેલ હતાં તેમાંથી લાડુ લઈ લીધા હોવાનું ચોકીદારે ફોનમાં જાણ કરી હતી. જેથી તેઓ ત્યાં જઈને પુજારીને સમજાવતાં તેઓ ઉશ્કેરાઈ જઈને ગાળો કાઢીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગાળો દેવાની ના પાડતાં તે એકદમ ઉશ્કેરાઈ જઈને લોખંડના પાઈપ લઈને પગમાં મારતાં બન્ને વચ્ચે મારા-મારી થઈ હતી. જે બાદ તેમણે ફોન કરીને રમેશપુરી ઉર્ફે કારાભાઈ અને બે અજાણ્યા શખસોને બોલાવ્યા હતાં અને બન્ને માર મારવા લાગતાં સાથે આવેલા બે અજાણ્યા શખસોએ અમને છોડાવ્યા હતાં. દિપકભાઈ મંદીરમાં ટ્રસ્ટી હોવાથી તેઓને સામાવાળા સામે મંદિરના જુના મનદુઃખ ચાલતાં હોવાથી લાડવા લેવાની ના પાડતાં હુમલો કર્યો હોવાનું ફરીયાદમાં જણાવ્યું હતું.

  જ્યારે સામાપક્ષના મંદીરના પુજારી અજયભાઈ ભગવાનપુરી ગોસાઈએ એવી ફરીયાદ નોંધાવી છે કે, તેઓ મંદીરમાં સેવા પુજા કરતા હોય અને શુક્રવારના સાંજના મહાદેવના મંદીરે થાળ લેવા માટે ગયા હતા. તેઓ થાળ હાથમાં લેતાં મંદીરના ટ્રસ્ટી દીપકભાઈ શેઠ તેમની પાસે ગયા હતાં. તેમને કહેવા લાગેલ કે થાળ લેવાની ના પાડવા છતાં તે કેમ થાળ લીધો. જેથી પુજારીએ કહેલ કે થાળ લેવાનો મારો હક છે. તેમ કહેતાં દીપકભાઈ શેઠ ઉશ્કેરાઈ જઈને ફડાકા માર્યા હતાં. જે બાદ ટ્રસ્ટી દિપકભાઈ મહેતાને બોલાવીને ગાળો કાઢીને મંદીરમાં આવવાની ના પાડીને ગાળો કાઢવા લાગ્યા હતાં. તે સમયે લોકો એકઠા થઈ જતાં તેઓ ત્યાંથી ભાગી ગયા હોવાનું જણાવ્યું હતું.

અંગે સીટી ડિવિઝન પોલીસે બન્ને પક્ષોના એનસી ગુના નોંધીને બન્ને પક્ષોના આરોપીઓની અટક કરીને જામીન મુક્ત કર્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

-Ï 

(10:57 pm IST)