સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th June 2018

દિવના વણાકબારાના યુવાન એન્જી. યોગેશ સોલંકીનું કોચી નજીક મર્ચન્ટ જહાજનાં એન્જિન રૂમમાં બ્લાસ્ટ થતા નીપજ્યું મોત : માદરેવતનમાં આજે કરાયા અંતિમ સંસ્કાર

વણાકબારા : કોચીથી લગભગ 14 નોટિકલ માઈલ દુર દરિયામાં એક જહાજમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે, જેમાં દિવના એક યુવાનનું મોત નિપજ્યું છે.

મળતી માહિતી મુજબ, 13 જૂનના રોજ કોચીની 14 નોટિકલ માઈલ દુર દરિયામાં "એમ.વી.નલિની" નામના મરચન્ટ જહાજના એન્જિન રૂમમાં બ્લાસ્ટ થતાં દિવના વણાકબારાના એક યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ જહાજમાં કેટલાક ક્રું મેમ્બરો પણ ફસાયા હતા. જેમને કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરી બચાવી લીધા છે.

વિગતવાર ઘટના જોઈએ તો, એમવી. નલીની નામનું મરચન્ટ જહાજ કોચીથી 14 નોટિકલ માઈલ દુર હતું તે સમયે તેના એન્જિન રૂમમાં અચાનક કોઈ કારણોસર બ્લાસ્ટ થતાં દિવના વણાકબારાનો યોગેશ કાનજી સોલંકી નામનો યુવાન હાજર હતો, જેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ કોસ્ટગાર્ડે રેસ્ક્યુ હાથ ધરી જહાજમાં રહેલ ક્રુ-મેમ્બરોને બચાવી લીધા છે, જ્યારે મૃતકના મૃતદેહને પીએમ બાદ તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.

મૃતક યુવાન યોગેશનો આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મરનાર યુવકને બે બહેન અને એક ભાઈ છે. જેમાંથી એક બહેન અને ભાઈ પરણીત છે, જ્યારે એક બહેનની સગાઈ કરી દેવામાં આવી છે. આ યુવાન પરિવારમાં સૌથી નાનો હતો. તે હજુ કુંવારો હતો. તે પ્રથમ વખત શીપમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. હજુ બે મહિના પહેલા જ તે નોકરી પર લાગ્યો હતો. મૃતક યુવાનના શીરે માતા-પિતાની સંપૂર્ણ જવાબદારી હતી. તેવામાં જ યુવકના મોતના સમાચારથી પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકના અંતિમ સંસ્કારમાં મોટી સ્ખ્યામાં લોકો જોડાયા હતા.

(12:34 am IST)