સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th June 2018

કાલાવડના મુળીલા નપાણીયા ખીજડીયા ગામના ૭૩ બાળકો પ્રથમવાર શાળામાં પ્રવેશ્યા

કૃષિમંત્રી આરસી ફળદુએ બાળકોને શૈક્ષણિક કીટ આપી મોં મીઠા કરાવ્યા

જામનગર, તા.૧૬: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૮ના  ભાગરૂપે કાલાવડ તાલુકાના મુળીલા તેમજ નપાણીયા ખીજડીયા ગામ ખાતે રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પ્રાથમિક શાળા ખાતે દિપ પ્રાગટ્ય કરી ૭૩ બાળકોને વિધિવત ભાલે તિલક કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

આ તકે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, રાજયનો કોઇપણ બાળક શિક્ષણથી વંચીત ન રહે તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ, ગુણોત્સવ જેવા રાજય સરકારના હેતુલક્ષી અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે અને તેના નક્કર પરિણામો પણ મળી રહ્યા છે.

વડીલોને બાળકોના શિક્ષણ અંગે જાગૃત રહેવા મંત્રીશ્રી અનુરોધ કર્યો હતો. 'સો શિક્ષક બરાબર એક માતા' ની કહેવતનું ઉદાહરણ આપી બાળકોની માતાઓને શિક્ષણ પ્રત્યે અંગત રૂચી કેળવવા મંત્રીશ્રીએ ખાસ ટકોર કરી હતી.    

આ પ્રસંગે મંત્રીશ્રીએ શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને કિટ વિતરણ કરી હતી અને સાથે સાથે એસ.સી. કન્યાઓને સાઇકલ વિતરણ કર્યુ હતુ. ગામના વયોવૃધ્ધ વડીલનું મંત્રીશ્રીએ સન્માન કર્યુ હતુ અને બાળકોને હ્યદયપૂર્વક શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પટેલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં પદાધિકારી-અધિકારી, સરપંચ, ગ્રામ્ય આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં ગામ લોકોએ ભાગ લીધો હતો.

(11:37 am IST)