સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th May 2022

મોરબીના વવાણિયામાં કાલે ૨.૬૫ કરોડના વિકાસકાર્યોનું ભૂપેન્દ્રભાઇ - સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ

રામબાઇમા મંદિર અને સભા સ્થળનું નિરીક્ષણ : પ્રવાસન ઉદ્યોગ વધુ વેગવંતો થશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ :માળીયા મી. તાલુકાના વવાણીયા ગામે આવેલ રામબાઈ માતાજીની પવિત્ર જગ્યા ખાતે ૧૭ મેના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભોજનાલય, સભાખંડ, સહિતના રૃ.૨.૬૫ના તેમજ આરોગ્ય વિભાગના ૨.૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ તેમજ ટોચના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાથી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે.ઙ્ગ

વવાણીયા ગામે આવેલ ૨૫૦ વર્ષ જુના ઇતિહાસ ધરાવતા રામબાઈ માતાજીની પવિત્ર જગ્યા ખાતે પ્રવાસનને વેગ આપવા માટે રાજય સરકારની પ્રવાસન ઉધોગની ગ્રાન્ટમાંથી વિશાળ ભોજનાલય, સત્સંગ હોલ, સહિતના રૃ.૨.૬૫ કરોડના ખર્ચે વિકાસ કામો તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વવાણીયામાં પીએસસી સેન્ટર, ટંકારા ખાતે ૫૦ બેડ કોવિડ વોર્ડ, ઓકિસજન પ્લાન્ટ સાથે તથા માળીયા ખાતે ૨૦ બેડનો કોવિડ વોર્ડ અને ઓકિસજન પ્લાન્ટ સહિતના આરોગ્ય વિષયક ૨.૪૮ કરોડના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, રાજયમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે સીએમ ઉપસ્થિત રહેવાના હોવાથી તેમની સુરક્ષાના ધ્યાને લઈને ઇન્ચાર્જ કલેકટર ભગદેવ, અધિક કલેકટર મૂછાર દ્વારા સભાસ્થળનું નિરીક્ષણ કરાયું હતું.

(1:52 pm IST)