સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th May 2022

જામનગરના આંગણે જલારામ સેવા ટ્રસ્‍ટ તથા દયાબેન પરસોત્તમભાઈ રાયઠઠ્ઠા એજ્‍યુ. ટ્રસ્‍ટ દ્વારા માનવ સેવા કેન્‍દ્રનું લોકાર્પણ કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: જામનગર નજીકના હાપા જલારામ મંદિર સેવા ટ્રસ્‍ટ દ્વારા જલારામ બાપાનો વિશ્વ વિક્રમી રોટલો તૈયાર કરવા ઉપરાંત અનેક વિધ સેવા કાર્યો ચાલી રહ્યા છે. આ સંસ્‍થાના ૨૫ માં વર્ષની ઉજવણી અંતર્ગત જલારામ સેવા ટ્રસ્‍ટ તથા દયાબેન પુરુષોત્તમભાઈ રાયઠઠ્ઠા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા વધુ એક કાયમી સેવા -કલ્‍પ માનવ સેવા કેન્‍દ્ર નો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. અને દાતાશ્રીઓના હસ્‍તે લોકાર્પણનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. 

જામનગરમાં જેકુરબેન સોની  કન્‍યા વિદ્યાલય પાસે  સર્વોદય સોસાયટી શેરી નંબર -૧ માં આ માનવ સેવા કેન્‍દ્ર  શરૂ થશે . જે વિવિધ તબીબી સહાયક સાધનોનું કેન્‍દ્ર બની રહેશે.

 જ્‍યાં વહીલચેર,  વોકર, બેડ, વોટર બેડ વગેરે સાધનો તથા દર્દીઓના સગા-સંબંધીને રહેવા અને જમવાની નિઃશુલ્‍ક સેવા ઉપલબ્‍ધ કરવામાં આવશે.

આ માનવ સેવા કેન્‍દ્રનું લોકાર્પણ સમારોહ તારીખ ૧૮.૫.૨૨ ના  સાંજે પાંચ વાગ્‍યે યોજવામાં આવ્‍યો છે. જેનું ઉદ્ધાટન દાતા તથા મેનેજિંગ ટ્રસ્‍ટી તરુબેન રાયઠઠ્ઠાના હસ્‍તે કરવામાં આવશે. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે પોરબંદર લોહાણા મહાપરિષદના અગ્રણી દુર્ગાબેન લાદીવાળા, તથા અતિથિ વિશેષ તરીકે દયાબેન પુરુષોત્તમભાઈ રાયઠઠ્ઠા એજ્‍યુકેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને પ્રભુદાસ ખીમજી કોટેચા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ શ્રી ભાસ્‍કરભાઈ કોટેચા (કમ્‍પાલા),  ચિરાગભાઈ એસ.દત્તાણી (સિવિલ એન્‍જી.), ભરતભાઇ સી. મોદી (સાબુ વાલા) ઉપસ્‍થિત રહેશે.

તા.૧૮ના ૫:૪૫ વાગ્‍યે હાપા જલારામ મંદિરના સાનિધ્‍યમા પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલમાં દાતા શ્રીનું સન્‍માન ઉપરાંત શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો છે. અને જલારામ બાપાના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન જલારામ સેવા કેન્‍દ્ર, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર હાપાના સંયુક્‍ત ઉપક્રમે સંસ્‍થાના પ્રમુખ શ્રી રમેશભાઈ દત્તાણી, માનદ મંત્રી નવનીતભાઈ સોમૈયા, તેમજ સમિતિના સદસ્‍ય શ્રીઓ કિરીટભાઈ દત્તાણી, સુનિલભાઈ તન્ના, રાજુભાઈ ચંદારાણા, અશોકભાઈ ભદ્રા, મુકેશભાઈ લાખાણી, રાજુભાઈ હિંડોચા, ચંદ્રવદન ત્રિવેદી, અને વિજયભાઈ કોટક વગેરે હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યુ છે. માનવ સેવા કેન્‍દ્રની શરૂઆત થતાં જ જામનગરની  જનતાને વધુ એક સેવા પ્રકલ્‍પ અતિ ઉપયોગી બની રહેશે

(1:24 pm IST)