સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

તૌકતેને કારણે જામનગરનાં બંદર પર મરીન કમાન્ડો તૈનાત

તૌકતે વાવાઝોડાના લીધે અવર-જવર બંધ કરાઇ : હાલ જામનગર સહિત સમગ્ર ગુજરાતનાં દરિયા કિનારે બીજા નંબરનું ભયસુચક સિગ્નલ લગાવી દેવાયા છે

જામનગર,તા.૧૬ : તૌક્તે વાવાઝોડુ ગુજરાતમાં ત્રાટકવાની આગાહીના પગલે જામનગરના બેડી બંદરે ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે. બંદરે કોઈપણ અનઅધિકૃત લોકોને પ્રવેશ બંધ કરી મરીન કમાન્ડો દ્વારા ખાસ પહેરો ગોઠવી પેટ્રોલીંગ વધારી દેવાયું છે. સૌરાષ્ટ્રભરના વાવાઝોડું જ્યાં ત્રાટકી શકે છે તેવા વિસ્તારોમાં ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે. હાલ જામનગર સહિત સમગ્ર ગુજરાતનાં દરિયા કિનારે બીજા નંબરનું ભયસુચક સિગ્નલ લગાવી દેવાયા છે. તૌક્તે વાવાઝોડું આગામી ૧૮ મેના રોજ ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાની દહેશતને પગલે ગુજરાતમાં રાજ્ય સરકાર અને દરિયા કિનારાના વિસ્તારોમાં આવેલ જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર એલર્ટ બન્યું છે. ખાસ સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડાની અસર થવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. તેવા સમયે આપત્તિજનક પરિસ્થિતિમાં ખાસ એનડીઆરએફની જુદી-જુદી ટુકડીઓ પણ બોલાવવામાં આવી છે.

        તો બીજી તરફ દરિયામાં માછીમારોને નહિ જવા સૂચના આપી દેવામાં આવી છે. જેને લઈને બેડી બંદરે બોટોના ખડકલા લાગી ગયા છે. ખાસ જામનગરના દરિયાકિનારે મરીન પોલીસ દ્વારા મરીન કમાન્ડોની ટુકડીઓ દ્વારા રામદાસનો પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે. આ ઉપરાંત પોર્ટ પર લોકોને આવતા જતા પણ અટકાવવામાં આવી રહ્યા છે. ખાસ તૌક્તે વાવાઝોડાની આગાહીને પગલે તકેદારીના તમામ પગલાઓ તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે અને તંત્ર હાઈ એલર્ટ પર છે. નોંધનીય છે કે, પોરબંદર અને મહુવાની વચ્ચે સંભવિત ત્રાટકનાર વાવાઝોડાની સૌથી માઠી અસર ગીરસોમનાથ જિલ્લાને થવાની સંભાવના છે. આ સંભાવનાઓને પગલે ગીરસોમનાથ જિલ્લા તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીંયા જિલ્લાના ૩ શહેરો અને ૨૪ ગામડાઓ હાઇએલર્ટ પર છે. જ્યારે ગીરસોમનાથના આશરે ૧૨,૫૦૦ કરતાં વધુ કાંઠે વસતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે.

(7:42 pm IST)