સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

માણાવદરમાં સફાઈકર્મીના મોત મામલે પોલીસ દ્વારા યોગ્ય તપાસની ખાતરી અપાતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો

વ્યાજની ઉઘરાણી કરીને ધાકધમકી આપી શોષણ કરતો હોવાનો આક્ષેપ

માણાવદરના સફાઇ કર્મીના મોત મામલે યોગ્ય તપાસની પોલીસે ખાતરી આપતા અંતે પરિવારજનો મૃતદેહ સ્વીકાર્યો હતો સફાઈકર્મીના મોત બાદ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જોકે પોલીસ દ્વારા યોગ્ય તપાસની ખાતરી અપાતા સમગ્ર મામલો થાળે પડ્યો છે અને પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે

  આ અંગે મૃતકના પુત્રે આક્ષેપ કર્યા હતા કે, તેના પિતા ડાયાભાઇ પરમારે કાકાના પુત્રને લગ્ન પ્રસંગે ઉછીના પૈસા આપવા માટે રૂપિયા 10 હજાર વ્યાજે લીધા હતા. જેની ઉઘરાણી મુન્નાભાઇ નામના શખ્સ દ્વારા કરવામાં આવતી હતી.મૃતકના પુત્રે આક્ષેપ કર્યો છે કે, માણાવદરમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં ડાયાભાઇ પરમાર પાસેથી વ્યાજની રકમની વસુલાત માટે મુન્નાભાઇ તેમને અવાર-નવાર નવ નિર્મિત એપાર્ટમેન્ટની સફાઇ કરવા લઇ જતો હતો. તેમને ઇચ્છા વિરુદ્ધ ધાક-ધમકી આપી સફાઇ કરાવવા માટે લઇ જવાતા હતા.

પુત્રે કરેલા આક્ષેપ પ્રમાણે, આ ત્રાસથી કંટાળીને ડાયાભાઇએ કહ્યું હતું કે, મુન્નાભાઇ 10 હજાર માટે શું તમે મારો જીવ લેશો? જો હવે આવું શોષણ કરશો તો હું તમારા એપાર્ટમેન્ટ પરથી પડીને મારો જીવ આપી દઇશ. છતાં તેઓ તેમને સફાઇ માટે લઇ ગયા હતા. જે બાદ તેઓ ઉપરથી નીચે પડી ગયા હતા. આ મામલે પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપતાં પરિવારે તેમનો મૃતદેહ સ્વીકાર્યો છે.

(1:33 pm IST)