સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

ખંભાળિયામાં કલાકો સુધી વીજકાપથી પાણી વિતરણ ઉપર અસરઃ સમયસર મળતું નથી

ખંભાળિયા તા.૧૬: હાલ ઉનાળાનીસિઝન ચાલી રહી હોવાથી પીજીવીસીએલ દ્વારા મોનસુન કામગીરીના નામે આઠથી દસ કલાક જેટલો વિજકાપ મુકી દેવામાં આવે છે. જેના કારણે પાલિકાના પાણી પુરવઠામાં વિજકાપની અસર થતા નિયત સમયે પાણીનું વિતરણ  ન કરી શકાતા લોકોને પાણીની સમસ્યા સર્જાય છે અને મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવાની ફરજ પડી રહી છે.

આ કાયમીની સમસ્યા હલ કરવા માટે પાલિકા દ્વારા જનરેટર સેટ કે અન્ય કોઇ વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો વિજકાપ દરમ્યાન ઇલેકટ્રીક ક્ષતીના કારણે  પાલિકાનું પાણી વિતરણ ખોરંભે ચડતું અટકી શકે છે.

વિપક્ષ સદસ્યએ કહ્યું હતું કે, વોટર વર્કસ શાખાના દર વર્ષે બજેટમાં ૩ થી ૪ કરોડનો ખર્ચ બતાવવામાં આવી રહ્યો છે. જે પાંચ વર્ષમાં અંદાજીત રૂ.ર૦ કરોડ જેટલો થાય છે. એમ છતાં આવા કપરા સમયે પાલિકા દ્વારા શહેરીજનોને પાણી વિતરણ યોગ્ય રીતે કરવામાં આવતું નથી.શહેરીજનોને વિજકાપના સમયે પાલિકા દ્વારા યોગ્ય રીતે પાણી વિતરણ થઇ શકે માટેની વ્યવસ્થા ગોઠવવા વિપક્ષ સદસ્યે માગ કરી છે.

(11:49 am IST)