સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાંથી સિંચાઈનું પાણી નહીં આપવાનું ફરમાન

હળવદ, તા.૧૬:તાલુકાને આ વર્ષે ચોમાસુ નબળું થતાં અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોને અણીના સમયે સિંચાઈ વિભાગે ડામ દીધો હોય તેમ ખેડૂતો અગાઉ પાક વાવી દીધો હતો તેથી પાકના જતન માટે હાલ પાણીની સખત જરૂરિયાત હોય તેવા સમયે જ સિંચાઈ વિભાગે બ્રાહ્મણી-૨ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી લેવાની મનાઈ કરી દીધી છે. સિંચાઈ વિભાગ પોલીસ સુરક્ષા સાથે ડેમ ખાતે જઈને ખેડૂતોના પાણી ઉપડવાના મશીન અને મોટરો તથા પાઇપ લાઇન હટાવી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

એકબાજુ વરસાદ નહિવત પડતા ખેડૂતો આમેય પાણી વગર તરસતા જ હતાં તેમાંય પાછા હળવદના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે જેમાં બ્રાહ્મણી ડેમમાંથી પાણી નહીં લેવાના આદેશ છૂટતાં ખેડૂતો મુંજાયા છે. સરકારી તંત્ર પણ અણીના સમયે ડેમમાંથી સિંચાઈ માટે પાણી લેવાની મનાઈ કરતું હોવાથી ખેડૂતો માટે કપરી સ્થિતિ ઉદ્દભવિ છે. હળવદમાં ગતવર્ષે ઓછો વરસાદ પડતાં બ્રાહ્મણી-૨ ડેમમાં અપૂરતો જળ સંગ્રહ છે. હાલ ઉનાળામાં આ બ્રાહ્મણી-૨ ડેમમાં ૧૦ ફૂટ જેટલું જ પાણી બચ્યું છે તેથી સિંચાઈ વિભાગે પાણીની કટોકટીને ધ્યાને લઈને બ્રાહ્મણી -૨ ડેમમાંથી ખેડૂતોને પાણી ઉપડવાની મનાઈ ફરમાવી દીધી છે અને આ આદેશનું કડક પાલન કરવા માટે સિંચાઈ અધિકારીઓની ટીમ પોલીસ સુરક્ષા સાથે હળવદના બ્રાહ્મણી ડેમમાં ત્રાટકશે અને ડેમમાંથી ખેડૂતોના પાણી ઉપડવાના મશીનો અને મોટરો તથા પાણીની પાઇપલાઇન કટ કરી નાખશે.

(11:47 am IST)