સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

પારડી નજીક રિક્ષા ઉંધી વળ્યા બાદ ઘંટેશ્વર રહેતાં બે સાઢુની ધોલધપાટ

કિશન મારવાડી અને સાવન મારવાડી ધોરાજીથી આવતા'તા ત્યારે બનાવઃ સરખી કેમ નથી હંકારતા? કહી અજાણ્યા શખ્સોએ માર માર્યો

રાજકોટ તા. ૧૬: ગોંડલ રોડ પર પારડી ગામ પાસે રાત્રીના રિક્ષા ઉંધી વળ્યા બાદ રિક્ષાચાલક ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં મારવાડી યુવાન અને સાથેના તેના સાઢુને અજાણ્યા શખ્સોએ 'રિક્ષા કેમ સરખી ચલાવતાં નથી?' તેમ કહી ધોલધપાટ કરતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જાણવા મળ્યા મુજબ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતો સાવન શોકીનભાઇ રાઠોડ (મારવાડી) (ઉ.૨૮) પોતાની રિક્ષામાં પત્નિને મુકવા ધોરાજી ગયો હતો. ત્યાંથી પરત રાજકોટ આવતો હોઇ ધોરાજી સસરાને ત્યાં રોકાયેલો સાવનનો સાઢુ કિશન ખમીશાભાઇ રાઠોડ (ઉ.૨૬) પણ રાજકોટ આવવા તેની રિક્ષામાં બેઠો હતો. રાત્રીના અગિયારેક વાગ્યે બંને પારડી પાસે પહોંચ્યા ત્યારે કોઇ કારણે રિક્ષા પલ્ટી મારી જતાં ત્યાં સાઇડમાં ઉભેલા લોકોએ આ રીતે શું કામ રિક્ષા હંકારો છો? ધ્યાન કેમ નથી રાખતાં? કહી બંનેને ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે શાપર પોલીસને જાણ કરી હતી.

(11:45 am IST)