સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

ધ્રાંગધ્રાના રાજપર ગામે દેશી દારૂની અનેક ભઠ્ઠીઓ ચાલે છેઃ પોલીસના દરોડા

વઢવાણ તા. ૧૬: ધ્રાંગધ્રા પંથકમાં દેશી દારૂનું પીઠું ગણાતા રાજપર ગામે અસંખ્ય દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે લગભગ રાજપર ગામના અડધાથી વધુ રહીશોનો ધંધો દેશી દારૂની ભઠ્ઠી અથવા દેશી દારૂ વેચાણ કરવાનો છે. ત્યારે વારંવાર રાજપર ગામે ચાલતી દારૂની ચાલતી ભઠ્ઠીને બંધ કરવાની રજુઆત થઇ હતી. આથી ધ્રાંગધ્રા ડીવાયએસપી આર. બી. દેવધા દ્વારા પોતાના સ્પેશીયલ સ્કવોર્ડને સુચના આપી હતી. સ્કવોર્ડના એ.એસ.આઇ. રણછોડભાઇ ભરવાડ, પંકજભાઇ દુલેરા, ચેતનભાઇ ગોસાઇ સહિતનાઓ રાજપર ગામે જઇ દેશી દારૂ બનાવવાનું મિની કારખાનું ઝડપી પાડયું હતું જેમાં ભઠ્ઠી ચલાવનાર બુટલેગર (૧) મુન્નો ઉર્ફે મુનશી અવસરભાઇ ઠાકોર, (ર) લવજી બબાભાઇ ઠાકોર, (૩) દિલીપ રામસંગભાઇ ઠાકોર નાસી છુટયા હતા જયારે પોલીસે ૧૧પ૦ લિટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂપિયા ર૩૦૦ દેશી દારૂ લીટર ર૦ કિંમત રૂપિયા ૪૦૦, એક મોટર સાયકલ કિંમત રૂપિયા ર૦,૦૦૦ તથા તમામ સાધનો મળી કુલ ર૪૪૦૦નો મુદામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

તાલુકા પોલીસના એ.એસ.આઇ. મગનલાલ સોલંકી, દિલીપભાઇ રબારી સહિતનાઓ દ્વારા પણ રાજપર ગામે દરોડો કરવામાં આવ્યો હતો જેમાં રાજપર ગામના ડેમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરી તાલુકા પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૩પ૦ કિંમત રૂપિયા ૭૦૦ તથા ભઠ્ઠીના સાધનો રૂપિયા પ૦૦ એમ કુલ મળી ૧ર૦૦ની કિંમતનો મુદામાલ ઝડપી પાડી ફરાર શખ્સ રણજીત વિરજીભાઇ કોળી વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)