સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

ગવરીદળ પાસે 'હિટ એન્ડ રન': તૂફાન ગાડીએ બાઇકને ઉલાળતાં યુપીના કુવરસિંગનું મોતઃ મિત્ર અર્જૂનને ઇજા

સાંજે બંને ગવરીદળ કડીયા કામની સાઇટથી રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે બનાવ : બે બહેનનો એકનો એક ભાઇઃ મામા સાથે રહેતો'તો

રાજકોટ તા. ૧૬: ગવરીદળ પાસે સાંજે બાઇકને તૂફાન ગાડીએ ઉલાળી દેતાં  રાજકોટ સામા કાંઠે રહેતાં યુપી-બિહારના બે મિત્રો ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે એક યુવાનનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સંત કબીર રોડ પર લાખેશ્વર સોસાયટી-૪માં રહેતો મુળ યુપીનો કુંવરસિંગ જગતસિંગ ખંગાર (ઉ.૨૧) અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે મારૂતિનગરમાં રહેતો બિહાર ગોરખપુરનો અર્જુન નારદમુની ઠુમર (ઉ.૧૯) બંને ગવરીદળ ગામે કડીયા કામે જતાં હોઇ ગત સાંજે કામ પુરૂ કરી બંને બાઇક પર રાજકોટ આવવા નીકળ્યા ત્યારે ગવરીદળ નજીક તૂફાન ગાડી નં. જીજે૩એફ-૯૧૨૦ની ઠોકરે ચડી જતાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અહિ સવારે કુવરસિંગનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને  દિપસિંહ ચોૈહાણે કુવાડવા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર યુવાન બે બહેનનો એકનો એક ભાઇ હતો. તેના માતા-પિતા હયાત ન હોઇ તે રાજકોટ મામા સાથે રહી મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા ગાડીના ચાલકની શોધખોળ હાથ ધરી છે. તેના નંબર કોઇ રાહદારીને નોંધીને આપ્યા હતાં. આ નંબર સાચા છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

(11:44 am IST)