સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

જસદણ હીરા ઉદ્યોગના કેટલાક કારખાનાઓમાં વેકેશન જાહેર કરતા રત્ન કલાકારોની દશા માઠી

જસદણ, તા. ૧૬ : જસદણમાં હીરાના કેટલાક કારખાનાઓ દ્વારા ફરજીયાત વેકેશન જાહેર કરી દેવામાં આવતા બહોળી સંખ્યામાં રત્ન કલાકારોની દશા પડયા પર પાટુ જેવી થઇ ગઇ છે. શહેરમાં લાંબા સમયથી હીરા ઉદ્યોગ મરણ પથારી પર હોવાથી અનેક બેરોજગારો બેરોજગાર બની ગયા છે.

હમણાંની મંદીને કારણે કેટલાંય નાના એકમો બંધ થયા અને મોટા એકમોએ ફરજીયાત વેકેશન જાહેર કરતાં હજારોની સંખ્યામાં રત્ન કલાકારોની હાલત ઇધર ખાઇ ઉધર કુવા જેવી થઇ ગઇ છે. મોટા ભાગના રત્ન કલાકારો મજૂરી કામમાં લાગી ગયા છે કેટલાયને તો ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની ગયા છે.

દિવાળી પછી ૧૮થી ર૦ ટકા કારખાનાઓ ખૂલ્યાં જ નથી, ત્યાં વળી કેટલાકે બંધ અને ફરજીયાત વેકેશન જાહેર કરતા હીરા બજારમાં સોંપયો પડી ગયો છે. આ અંગે કોંગ્રેસના યુવા અગ્રણી વિનુભાઇ લોદરીયાએ જણાવ્યું કે, નોટબંધી, જીએસટી અને રૂપિયાનું ધોવાણથી હીરા ઉદ્યોગો ભાંગીને ભૂક્કો થઇ ગયો છે.

આ ઉદ્યોગને બેઠો કરવા માટે જે પ્રયાસો રાજયની ભાજપ સરકારે કરવા જોઇએ તે થતાં નથી. વિનુભાઇએ વધુમાં જણાવ્યું કે કારખાનેદારોનું શોષણ સરકાર કરે અને કારખાનેદારો કારીગરોનું શોષણ કરે છે તે બાબતે પણ સરકાર લાપરવાહ હોવાથી હીરા ઉદ્યોગ વિકાસને બદલે વિનાશ તરફ જઇ રહ્યો છે.

(11:43 am IST)