સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

વરતેજ નજીક ટ્રાન્સપોર્ટની ઓફીસમાં લૂંટ કરી કેશિયરની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીને આજીવન કેદ ફટકારતી કોર્ટ

આરોપી વિરૂધ્ધ ખુનનો ગુનો પુરવાર થાય છેઃ ભાવનગર સેશન્સ કોર્ટનો ચુકાદો

ભાવનગર તા. ૧૬ :.. પાંચ વર્ષ પૂર્વે વરતેજ ગામ પાસે ટ્રાવેલ્સની ઓફીસમાં લૂંટના ઇરાદે આવેલા શખ્સે ઓફીસમાં બેસતા કેશીયર ઉપર છરી વડી હૂમલો કરી, મોત નિપજાવી રૃા. ર૦ હજારની લૂંટ ચલાવી નાસી ગયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ આરોપીઓ સામેનો હત્યાનો ગુનો સાબીત માની આજીવન કેદની સજા અદાલતે ફટકારી હતી.

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ  ગત તા. ૧૯-પ-ર૦૧૪ નાં રોજ સવારે ૧૦ વાગ્યે આ કામના ફરીયાદી પથુભા ભાવસિંહ ચૌહાણ તેમની ઓફીસે આવેલા અને તેમની બાજુમાં પ્રેમદાસ ઉર્ફે બટુકભાઇ વેણીરામ અગ્રવાત જાતે સાધુ તેઓ પણ તેમની ઓફીસ જય માતાજી ટ્રાન્સપોર્ટની ઓફીસ ખોલેલ તેઓ ઓફીસમાં બેસી ટ્રાન્સપોર્ટના ભાડા ચુકવે છે. બપોરે જમીને ૪.૩૦ વાગ્યાથી તેઓ તથા તેમના ભાગીદાર ઘનશ્યામભાઇ કાનાભાઇ ચૌહાણ તેઓ બંને તેમની ઓફીસમાં બેઠા હતા ત્યારબાદ સાંજના પ થી ૬ ના સુમારે  સદગુરૂ કોમ્પ્લેક્ષમાં કુલદીપભાઇનું કમાન પાટાનું ગેરેજ છે તેણે તેમના નામનો સાદ કરીને બોલાવતા તેઓ તુરંત બહાર નિકળેલા તો તેઓએ જોયુ તો જય માતાજી ટ્રાન્સપોર્ટ ઓફીસના કેશીયર પ્રેમદાસભાઇ ઉર્ફે બટુકભાઇ સાધુ જે તેની ઓફીસની બહાર નીચે બેઠા હતા અને તેના લોહી વાળા હાથ હતા જેથી તેઓ તુરંત ત્યાં ગયેલ તો આ કામના ફરીયાદી પથુભા ચૌહાણે કેશીયર પ્રેમદાસભાઇ સાધુએ કહેલ કે, લાલ શર્ટ વાળાએ તેમને જોરથી એક છરીનો ઘા મારેલ છે.

અને છરી પેટમાં રહી ગયેલ છે. તેમ વાત કરેલી પછી તે બહુ બોલી શકયા ન હતા. જેથી ફરીયાદીએ તુરંત તેના શેઠના નંબર ઉપર ફોન કરેલ તે દરમ્યાન ૧૦૮માં ફોન કરતા ઇજા ગ્રસ્તને તુરંત સર.ટી.હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ હત્યામાં પરીણામ્યો હતો. જણવા મળ્યા મુજબ તેમની ઓફિસમાં લાલ શર્ટ વાળાએ ગેરકાયદેસર અપ્રવેશ કરી ઓફિસના ટેબલના ખાનામાં પડેલ રૃા.૨૦ હજારની લુંટ કરી કોઇપણ કારણોસર કેશીયર પ્રેમદાસ સાધુને એક છરીનો ઘા ઝીવલેણ મારી ગંભીર ઇજા કરી મૃત્યુ નિપજાવેલ અને પુરાવાનો નાશ કરેલ હોવાની ફરીયાદ ગત તા.૧૯-૫-૨૦૧૪ના રોજ વરતેજ પોલીસ મથકમાં નોંધણી હતી.

વરતેજ પોલીસએ આ બનાવની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી આ હત્યા અને લુટના કેસમાં સંડોવાયેલ આરોપી દિનેશભાઇ ધીરૂભાઇ બારૈયા (ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે. લાખણકા, તા.ઘોઘા, જી.ભાવનગર)નું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી લઇ તેની સામે ઇપીકો કલમ ૩૦૨,૩૯૭,૪૪૭,૨૦૧, તથા જીપીએકટ ૧૩૫ મુજબનો ગુનો નોંધીયો હતો. આ બનાવમાં ફરીયાદી પથુભા ભાવસીંગ ચૌહાણે ફરીયાદ નોંધાવી હતી.

આ અંગેનો કેસ ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, મૌખીક પુરાવા ૨૪, દસ્તાવેજી પુરાવા ૩૬ વિગેરે ધ્યાને લઇ આરોપી દિનેશ ધિરૂભાઇ બારૈયા સામે ઇપીકો કલમ ૩૦૨,મુજબનો ગુનો સાબીત માની આરોપીને આજીવન કેદની સજા અને રૃા.૫ હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા,ઇપીકો કલમ ૩૯૭ મુજબ ના ગુનામાં આરોપીને સાત વર્ષની કેદની સજા અને રૃા.૨૦૦૦નો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સજા ઇપીકો કલમ ૪૪૭ મુજબના ગુનામાં આરોપીને રૃા.૫૦૦નો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ દિવસની કેદની સજા અદાલતે ફટકારી હતી.

(11:42 am IST)