સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

દિવમાં ભેદભરમ સર્જતી ઘટનાઃ સાંજે ગૂમ થયેલો ટેણીયો રાત્રે માથા-મોઢા અને ગુપ્ત ભાગે ગંભીર ઇજા સાથે મળ્યો!

સાસા બંદરથી માતા-પિતા કડીયા કામ કરવા દિવના ભુચરવાડામાં આવ્યા હોઇ ત્યાં વિકાસ (ઉ.૧૨) રમતો-રમતો ગાયબ થઇ ગયા પછી બનાવઃ દૂષ્કર્મનો પ્રયાસ થયાની શંકાએ તપાસ ૨૦ જેટલા શખ્સોને રાતોરાત પુછતાછ માટે ઉઠાવી લેવાયા

રાજકોટ તા. ૧૬: રાજુલાના સાસા બંદરે રહેતું કોળી દંપતિ દિવના ભુચરવાડામાં કડીયા કામની સાઇટ પર કામ કરવા આવ્યું હોઇ તેની સાથે આવેલો ૧૨ વર્ષનો પુત્ર સાંજે સાડાચાર-પાંચેક વાગ્યે સાઇટ પાસે રમતો-રમતો ગાયબ થઇ ગયા બાદ રાત્રીના નવેક વાગ્યે નજીકના બંદર કાંઠેથી મોઢા-માથા અને ગુપ્ત ભાગે ગંભીર ઇજા થયેલી હાલતમાં અર્ધબેભાન મળી આવતાં દિવ, ઉના સારવાર અપાવી રાજકોટ ખસેડાયો છે. આ બાળકને કોણે અને શા માટે મારકુટ કરી? તે અંગે રહસ્ય સર્જાયુ છે. પોલીસે રાતોરાત ૨૦ જેટલા મજૂરો, શખ્સોને પુછતાછ માટે ઉઠાવી લઇ તપાસ આરંભી છે. આ ટેણીયાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જાણવા મળ્યા મુજબ સાસા બંદરે રહેતાં વનરાજભાઇ ગુજરીયા (તળપદા કોળી) કેટલાક દિવસથી તેમના પતિન સાથે દિવ ભુચરવાડામાં ચાલતી કડીયા કામની સાઇટ પર મજૂરીએ આવે છે. તેને સંતાનમાં ત્રણ દિકરા અને એક દિકરી છે. જેમાં બીજા નંબરનો વિકાસ (ઉ.૧૨) ધોરણ-૭માં અભ્યાસ કરે છે. હાલમાં વેકેશન ચાલતું હોઇ ગઇકાલે માતા-પિતા સાથે તે પણ દિવ કડીયાકામની સાઇટ પર આવ્યો હતો.

અહિ સાંજે સાડાચાર સુધી તે સાઇટ પાસે રમતો જોવા મળ્યો હતો. પાંચ પછી માતા-પિતા કામ પુરૃ કરી ઘરે જવા તૈયારી કરતાં હતાં ત્યારે પુત્ર વિકાસ જોવા ન મળતાં ઠેર-ઠેર શોધખોળ કરી હતી. પરંતુ વિકાસનો પત્તો મળ્યો નહોતો. આકુળ વ્યાકુળ થઇ આ દંપતિએ લાડકવાયાને શોધવા ભારે દોડધામ કરી હતી પણ તે ન મળતાં પોલીસને જાણ કરતાં પોલીસ પણ શોધખોળમાં સામેલ થઇ હતી. અંતે કેટલાક મજૂરો સાઇટ પાછળ બંદર તરફ તપાસ કરવા ગયા ત્યારે નિશાળ પાછળના ભાગેથી વિકાસ મોઢા-માથા અને ગુપ્ત ભાગ પર ગંભીર ઇજા થયેલી હાલતમાં લોહીલુહાણ મળતાં ચકચાર મચી ગઇ હતી.

વિકાસ અર્ધબેભાન અવસ્થામાં પોતાને એક શખ્સ લઇ ગયાનું રટણ કરતો હતો. તેમજ પોતાને જ્યાં લઇ જવાયો હતો એ જગ્યા પોતે બતાવી શકે તેમ હોવાનું પણ બોલતો હતો. જો કે ઇજાને કારણે આંખ ખુલી શકતી નથી તેમજ તે પુરો ભાનમાં ન હોઇ તેની સાથે શું બન્યું? તેને શું કામ માર  મારવામાં આવ્યો? તે સહિતના સવાલો અણઉકેલ રહ્યા છે. દૂષ્કર્મના ઇરાદે બાળકને લઇ જવાયાની અને બાદમાં તેમાં સફળ ન થતાં હવસખોરોએ તેને આ રીતે મારકુટ કર્યાની શંકા દર્શાવાઇ છે. જો કે તબિબી તપાસમાં દૂષ્કર્મ થયાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાયું નથી.

વિકાસને દિવ સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. દિવ પોલીસ મથકના પીએસઆઇ નગીન પટેલ સહિતની ટીમ પણ તપાસ માટે રાજકોટ આવી છે અને વિકાસ ભાનમાં આવે તેની રાહ જોઇ રહી છે. બાળક સાથે કંઇ અજૂગતું કરવાનો પ્રયાસ થયાની શંકાએ તપાસ થઇ રહી છે. પોલીસે રાત્રે જ વીસ જેટલા શખ્સોને પુછતાછ માટે ઉઠાવી લીધા છે. પણ આ તમામ આ બાળક વિશે કંઇ જાણતા ન હોવાનું રટણ કરે છે.  પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:36 am IST)