સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

છાત્રાલયોના કર્મચારીઓના ઉંચક વેતનના પગાર ધોરણમાં વધારો કરવા કેશોદના બિજલભાઇ સોંદરવાની માંગ

હાલની કારમી મોંઘવારીમાં સામાન્ય વેતનના પગાર દર કર્મચારીઓના માટે ઘરના ચુલા હલાવવા બન્યા મુશ્કેલ : માત્ર એક વ્યકિતનો માંડ માસીક ખર્ચ નિકળે તેટલા પગાર ધોરણમાં ઘર-પરિવારનું ગુજરાન કેમ ચલાવવું?

(સંજય દેવાણી દ્વારા) સરકારી અને ગ્રાન્ટેડ છાત્રાલયો સહીતની સંસ્થાઓના હંગામી કર્મચારીઓના વેતનના પગાર ધોરણમાં વધારો કરવા કેશોદ શહેર ભાજપના પૂર્વ મંત્રી તથા જુનાગઢ જીલ્લા વિકલાંગ સેલના સહ કન્વીનર શ્રી બિજલભાઇ સોંદરવાએ સરકારશ્રી સમક્ષ માંગણી કરેલ છે.શ્રી સોંદરવાએ સ્વૈચ્છિક સંસ્થા સંચાલીત ગ્રાન્ટ ઇન એઇડ કન્યા તથા કુમાર છાત્રલયો સહીતની સંસ્થાના ઉંચક વેત પગારદાર કર્મચારીઓના હીતમાં આ કર્મચારીઓ વતી અવાજ ઉઠાવતાં જણાવેલ કે, પ્રવર્તમાન મોંઘવારીનો દર આસમાને પહોંચેલ છે જો કે આવી કારમી સ્થિતી વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી કર્મચારીઓના ઉચક વેતનના પગાર ધોરણમાં કોઇ પ્રકારનો વધારો થયેલ નથી ત્યારે હાલની કારમી મોંઘવારીમાં સામાન્ય વેતનના પગારદાર કર્મચારીઓ માટે ઘરના ચુલા જલાવવા મુશ્કેલ બનેલ છે.

તેઓએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, સામાજીક ન્યાય અને અધિકારીના વિભાગના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, સામાજીક ન્યાય અને અધીકારીના  વિભાગના અગ્રસચિવ સહીત લાગતા વળગતા સંબંધીત સત્તાધીશોને એક પત્ર પાઠવી રજુઆત કરતાં જણાવેલ છે કે, છાત્રાલયના ગ્રાન્ટના અધીનિયમ ૧૯૬૯ મુજબ સરકારશ્રી દ્વારા ઉચક વેતનમાં ક્રમશઃ સુધારો કરેલ છે. પરંતુ લઘુતમ વેતન અધિનિયમ અને મોંઘવારીનો આંક દિન પ્રતિદિન વધતો જાય છે.

આ કારમી મોંઘવારીમાં આમજનતાના પરિવારને તેનુ ઘર ચલાવવા હાલનું પગાર ધોરણ શૈક્ષણિક લાયકાતના ધોરણે ગૃહપતિ, ગૃહમાતાના પગાર ધોરણ ૫૦૦૦ થી ૬૫૦૦ના ૯૦ ટકા અને રસોયાના ૩૫૦૦ના ૯૦ ટકા જેવુ ઉચક સંજોગો વેતન આપવામાં આવે છે જે પ્રવર્તમાન મોંઘવારી અને લઘુતમ ધારા હેઠળ નજીવું ઉચક વેતન સમાન છે ત્યારે સ્થિતીને ધ્યાને લઇ ઉંચક વેતનના પગારદારોના પગારમાં વધારો કરવો અનિવાર્ય બનેલ હોઇ આ અંગે યોગ્ય પગલા લેવા વિનંતી કરવામાં આવેલ છે.દરમિયાન વધુમાં બીજલભાઇએ જણાવેલ છે કે, લગભગ છેલ્લા બે વર્ષથી સામાજીક કાર્યકરો ઉપરાંત ભાજપના કાર્યકરો, હોદેદારો, ધારાસભ્યો, સંસદ સભ્યો દ્વારા અવારનવાર પગાર ધોરણમાં વધારો કરવા રજુઆતો કરેલ છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર અમારી માંગણી પર ચોક્કસ ધ્યાન આપશે તેવી આશા વ્યકત કરતાં અંતમાં તેઓએ જણાવેલ કે, માત્ર એક વ્યકિતનો માંડ માસીક ખર્ચ નીકળે તેટલા સામાન્ય પગાર ધોરણમાં ઘર-પરિવારનું ગુજરાન ચલાવવું અશકય બનેલ છે. ઉચકવેતનના કેટલાય પગારદાર કર્મચારીઓ ઘરનો એક માત્ર આર્થિક આધારસ્થંભ હોઇ અને ઘરનું ગુજરાન ચલાવવા એક માત્ર જ વ્યકિત હોઇ ત્યારે આ નજીવા વેતન પ્રાપ્ત કરતાં કર્મચારીઓના ઘર અને રસોડાનું બજેટ  ખોરંભાઇ જાય છે.

(12:53 pm IST)