સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

ગોંડલમાં સવારે છાંટાઃ પવનનું જોર ઘટયુ

સવારથી ગરમીની અસર વધીઃ મિશ્ર વાતાવરણનો માહોલ

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે ધુળની ડમરી સાથે પવનનું જોર વધ્યા બાદ આજે પવનનું જોર ઘટયુ છે અને ધુપ-છાંવનો માહોલ યથાવત છે.આવા વાતાવરણ વચ્ચે આજે સવારે ગોંડલમાં છાંટા પડયા હતાં. ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં આજે બીજા દિવસે પણ આકાશમાં ધુળીયું વાતાવરણ સર્જાયુ હતું. પવન પણ સ્થિત થઇ ગયો છે. કયારેક ધુનની ડમરીઓ પણ ઉડી હતી.

ગોહીલવાડ પંથકમાં ગઇકાલે આકાશ વાદળોથી ઘેરાયું હતું અને ધુંધળું વાતાવરણ સર્જાયુ હતું. આજે મંગળવારે પણ સવારથી જ વાદળીયુ વાતાવરણ રહ્યુ હતું. પવનની ઝડપ સાવ ઘટી ગઇ હતી. જો કે કયારેક કયારેક ધુળની ડમરીઓ ઉડી હતી. પલટાયેલા વાતાવરણને કારણે ગરમીનું પ્રમાણ સામાન્ય બની ગયું હતું.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ૩૪.પ મહત્તમ, ર૪.પ લઘુતમ ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ  ૮.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

મોરબી

મોરબી : સમગ્ર રાજયની સાથે મોરબીમાં પણ હવામાનમાં  પલ્ટો જોવા મળ્યો હતો અને સવારથી પવન ફુંકાતો હોય તેવું તોફાની વાતાવરણ જોવા મળ્યું હતું અને સાંજે કમોસમી છાંટા પણ વરસ્યા હતા. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળે કમોસમી છાંટા પડયા હતા સવારથી વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ સાંજે કમોસમી છાંટા પડયા હતાં. જો કે બીજી તરફ કાલે હવામાન પલ્ટાને પગલે ગરમીનો પારો નીચે જોવા મળ્યો હતો.

માળીયા મિંયાણા

માળીયા મીંયાણા : માળીયા ટંકારા પંથકમાં સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા તે જ પવનો સાથે ધુળની ડમરીઓ ઉડતા સમગ્ર જિલ્લામાં આંધી જેવુ વાતાવરણ છવાઇ ગયુ હતું જેથી વાદળછાંયા વાતાવરણથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે મોરબી માળીયા પંથકના ગ્રામ્ય વિસ્તાર તેમજ રણ કાંઠે તે જ પવનો ફુંકાતા આંધી જેવો માહોલ સર્જાયો હતો આજે સવારથી તે જ પવનો ફુંકાતા તાપમાનનો પારો ગગડયો છે જેથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે ઉલ્લેખનીય છે કે, અચાનક આવેલા વાતાવરણના પલ્ટાથી સુસવાટા મારતા પવનોથી ધુંધળા જેવુ વાતાવરણ થઇ જતા સમગ્ર પંથકમાં આંધી જેવુ વાતાવરણ છવાઇ જતા વાદળછાયા વાતાવરણથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.

(11:55 am IST)