સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે

આજે હિંમતનગર, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં સભા V ગુજરાતની જનતાના આશીર્વાદ મેળવવા અને લાખો કાર્યકરોના પરિશ્રમથી ગુજરાતની તમામ ૨૬ બેઠક ઉપર ભાજપની જીત થશે : સ્મૃતિ પણ પહોંચશે

અમદાવાદ, તા. ૧૬ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૧૭મી એપ્રિલના દિવસે હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદ અને ૧૮મી એપ્રિલના દિવસે અમરેલીમાં જાહેરસભા કરનાર છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને સમગ્ર ભારતમાં કેસરિયો માહોલ છે ત્યારે ગુજરાતની જનતાના આશીર્વાદ અને લાખો કાર્યકરોના પરિશ્રમથી ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠક પર ભાજપનું કમળ ખીલે તે હેતુસર પ્રવાસ કરનાર છે. ગુજરાતના લોકપ્રિય નેતા અને વિશ્વમાં લોકપ્રિયતા મેળવી રહેલા મોદી દેશના પુનઃ વડાપ્રધાન બનાવવા મતદારોમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આવતીકાલે ૧૭મીએ ત્રણ જાહેરસભા કરનાર છે જે પૈકી એક વાગે હિંમતનગરમાં જાહેરસભા યોજાનાર છે જ્યારે બપોરે ત્રણ વાગે સુરેન્દ્રનગર લોકસભા બેઠક હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સભા યોજાશે જ્યારે સાંજે પાંચ વાગે આણંદ લોકસભા બેઠક હેઠળ વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે જાહેરસભા થનાર છે. પ્રથમ દિવસે ત્રણ જાહેર સભા કર્યા બાદ ૧૮મી એપ્રિલના દિવસે અમરેલીમાં જાહેરસભા યોજાશે. ભાજપની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મોદી ઉપરાંત સ્મૃતિ ઇરાની પણ આવતીકાલે ચૂંટણી પ્રચાર કરનાર છે જેના ભાગરુપે પાટણ લોકસભા મતવિસ્તારમાં આવતા પાટણમાં પટેલ ઓટો મોબાઇલ પાછળના મેદાનમાં સવારે ૧૦ વાગે તેમની સભા થશે જ્યારે ૩.૩૦ વાગે સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ ૪.૩૦ વાગે જૂનાગઢમાં ગાર્ડન ચોક ખાતે સભા થશે. તેમની સાંજે છ વાગે ગોંડલ માંડવી ચોક ખાતે સભા થશે.

આ ઉપરાંત રાત્રે નવ વાગે પણ રાજકોટમાં પાણીઘોડા ખાતે એક બેઠખ થશે. કેન્દ્રીયમંત્રી સુષ્મા સ્વરાજ પણ ચૂંટણી પ્રચાર કરનાર છે જેના ભાગરુપે ૧૮મીએ બપોરે બે વાગે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં અમદાવાદ શહેરના સીટીએમ કુશાભાઈ ઠાકરે હોલમાં તેમની સભા થશે. તે જ દિવસે સાંજે છ વાગે જામનગરમાં ટાઉન હોલ ખાતે તેમની બેઠક થશે.

(8:26 pm IST)