સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

ગુરૂવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની વંથલી ખાતે સભા

હાર્દિક પટેલ સહિતના નેતાઓ હાજરી આપશેઃ જનમેદની એકત્ર કરવા કવાયત-ચુસ્ત બંદોબસ્ત

જુનાગઢ તા. ૧૬ :.. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે ગુરૂવારે તેઓ જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે જાહેરસભાને સંબોધન કરશે.

લોકસભાની ચૂંટણી માટે ર૩ એપ્રિલે  મતદાન થનાર છે જેના પ્રચાર માટે ગણતરીનાં જ દિવસો બાકી હોય આથી મતદારોને રીઝવવા રાજકીય પક્ષોએ તેમનાં સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ઉતાર્યા છે.

ગઇકાલે સવારે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જૂનાગઢ બેઠકનાં ઉમેદવારનાં સમર્થનમાં કોડીનાર ખાતે અને બપોરે કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ રાજૂલા પાસે પોતાનાં ઉમેદવારોને જીતાડવા માટે ચૂંટણી સભા યોજી હતી.

હવે ફરી તા. ૧૮ એપ્રિલ ગુરૂવારનાં રોજ રાહુલ ગાંધી સોરઠનો ચૂંટણી પ્રવાસ કરશે. ગુરૂવારે બપોરે અઢી વાગ્યે વંથલીના દિલાવરનગર ખાતે રાહુલ ગાંધીની જાહેર સભાનું આયોજન કરાયુ હતું.

અહીં રાહુલ ગાંધી જુનાગઢ અને પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો પોતાના ઉમેદવારોનાં સમર્થનમાં મતદારોએ સંબોધન કરશે.

રાહુલ ગાંધીની જાહેર સભામાં કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સહિતનાં નેતાઓ પણ હાજરી આપશે. જાહેર સભામાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહે તે માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

બીજી તરફ રાહુલ ગાંધીની સુરક્ષા અને તેમની જાહેરસભા દરમ્યાન કાયદો - વ્યવસ્થા જળવાય રહે તે માટે આઇજીપી સુભાષ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ એસપી સૌરભ સિંઘે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણ હાથ ધરી છે.

(11:52 am IST)