સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસનાં બળાબળનાં પારખા

સાંસદ રાજેશ ચુડાસમા સીટ જાળવી રાખવા અને ધારાસભ્ય પુંજા વંશ વિજેતા થવા મક્કમ : કુલ મતદારો ૧૬,૪૧,પર૮ પુરૂષ મતદારો સૌથી વધુ : કોળી અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ, કારડિયા, આહિર મતદારોનો પણ દબદબો : સળંગ ચાર વખત ભાજપનાં ભાવનાબેન ચિખલીયા વિજેતા થયેલ : જુનાગઢ લોકસભા હેઠળની વિધાનસભાની છ બેઠકો કોંગ્રેસનાં કબ્જામાં

જૂનાગઢ તા. ૧૬ :.. લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ગુજરાતમાં ર૩ એપ્રિલે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે જેના આડે ગણતરીનાં જ દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર માટે એટીચોટીનું જોર લગાવ્યું છે. જેમાં મુખ્ય રાજકીય પક્ષો ભાજપ  અને કોંગ્રેસે તેનાં સ્ટાર પ્રચારકોને પ્રચાર યુધ્ધમાં ઉતાર્યા છે.

 

આ વખતની લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ બેઠક પર ભાજપ-કોંગ્રેસના બળાબળના પારખા થવાની શકયતા જોવાઇ રહી છે.

ભાજપે વર્તમાન સાંસદ રાજેશભાઇ ચુડાસમાને ફરી જૂનાગઢ બેઠકની ટિકીટ આપીને રિપીટ કર્યા છે. સામા પક્ષે કોંગ્રેસે ઉનાનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશને ફરી મેદાનમાં ઉતાર્યા છે. ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પર શ્રી ચુડાસમા અને શ્રી વંશ વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં રાજેશ ચુડાસમાનો પુંજા વંશ સામે પ,૧૩,૧૭૯ એટલે મતદાનનાં પ૪.પ૧ મતો વિજય થયેલ. જે સામે પહેલી વાર જૂનાગઢ બેઠક પર કોળી  સમાજનું પ્રભુત્વ સાબિત થયું હતું.

નરસિંહ મહેતા, ગિરનાર, રાનવઘણનો ઉપરકોટ, નવાબી ઠાઠ અને ગીરનું જંગલ એવી નૈસર્ગિક અને ઐતિહાસીક ધરોહ જાળવતા જુનાગઢ લોકસભા બેઠક પર રાજકીય પવન કેટલાંક સમયથી બદલાયેલો છે. મુખ્યત્વે ભાજપ તરફી રહેલા જૂનાગઢ સંસદીય મત વિસ્તારે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મતદારોએ  જાકારો આપ્યો હતો.

જુનાગઢ લોકસભા બેઠક હેઠળની છ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો કબ્જો છે. આમ જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, કોડીનાર, અને ઉના ધારાસભ્ય બેઠક પરથી કોંગ્રેસનાં ધારાસભ્યો હોય જેથી જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર પુંજાભાઇ વંશનો ચાન્સ છે. સામા પક્ષે રાજેશ ચુડાસમાની કસોટી છે.

જૂનાગઢ બેઠક ઉપરથી કુલ ૧ર ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જેમાં મુખ્ય જંગ ભાજપના રાજેશ ચુડાસમા અને કોંગ્રેસનાં પુંજાભાઇ વંશ વચ્ચે છે. આ બંને ઉમેદવારો કોળી સમાજના અગ્રણી છે.

ધો.૧ર પાસ શ્રી રાજેશ ચુડાસમા ર૦૧ર માં રાજયનાં યુવા ધારાસભ્ય થયેલ. આ પછી તેઓ ર૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે પસંદ  થયેલ અને જંગી બહુમતીથી ચૂંટાયને ભાજપનાં સૌથી નાની વયના સાંસદ બન્યા.

સામા પક્ષે કોંગ્રેસનાં ઉમેદવાર અને ઉનાના પીઢ ધારાસભ્ય પુંજાભાઇ વંશ ૧૯૯૦ થી ધારાસભ્ય તરીકે ચૂંટાય રહ્યા છે. છ વખતથી ધારાસભ્યપદે ચૂંટાતાં શ્રી વંશે ટીવાયબીએ સુધીનો અભ્યાસ કર્યો છે.

છેલ્લા ૩૦ વર્ષથી શ્રી વંશ પ્રજાની તમામ કસોટીમાંથી પાર થઇને લોકપ્રિય નેતા તરીકે ઉપસી આવ્યા છે. તેઓ હાલ વિધાનસભાની સૌથી અગત્યની જાહેર હિસાબ સમિતિનાં ચેરમેનની પણ જવાબદારી નિભાવી રહ્યા છે.

શ્રી વંશ પીઢ અને ઘડાયેલા રાજકીય  નેતા છે. તેમની બીજી વખત શ્રી રાજેશ ચુડાસમા સામે રાજકીય સ્પર્ધા છે.રાજેશ ચુડાસમા ર૦૧૪ થી સાંસદ હોય હવે તેઓ પણ હોંશિયાર રાજકીય અગ્રણી થઇ ચુકયા છે.

આ વખતની ચૂંટણીમાં જૂનાગઢ લોકોમાં બેઠકનાં રાજકીય પવન અને મતદારોનાં મિજાજ અંગે અત્યારે કંઇપણ કહેવુ મુશ્કેલ છે. આમ છતાં ભાજપનાં સીટીંગ સાંસદ રાજેશ ચુડાસમાની રાજકીય કસોટીની શકયતા નકારી શકાતી નથી.

કોંગ્રેસનાં શ્રી પુંજા વંશે આ વખતે સાંસદ બનવાનું નક્કી કરીને રાજકીય જોર લગાવ્યું છે.

આ સંજોગોમાં તાજેતરમાં ૧૦ એપ્રિલના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢ સહિતની લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવારોનાં સમર્થનમાં જૂનાગઢ ખાતે ચૂંટણી સભા કરી હતી.

શ્રી મોદી ઉપરાંત ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે તા. ૧પ એપ્રિલનાં રોજ કોડીનાર ખાતે  રાજેશ ચુડાસમાનાં સમર્થનમાં જાહેર સભા કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતાં.

આ જ પ્રમાણે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સહિતનાં નેતાઓ ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા પ્રચાર પ્રસાર કરી ચુકયા છે.

જયારે સામા પક્ષે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તા. ૧પ એપ્રિલનાં રોજ જૂનાગઢ સહિતની લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારોનાં સમર્થનમાં મહુવા ખાતે સભા કરીને વર્તમાન સરકાર ગરીબોની નહિ પરંતુ અમીરોની ચોકીદાર હોવાનું જણાવીને આકરા પ્રહારો કર્યા હતાં.

જુનાગઢ બેઠક પર ભાજપનાં ઉમેદવારનો આ વખતે વિજય આસાન ન હોવાનું માનવામાં આવે છે આથી  વડાપ્રધાન શ્રી મોદી ઉપરાંત ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખશ્રી શાહને સભા કરવી પડી હોવાનું પણ માનવામાં આવે છે.

ખેતી આધારિત અર્થકારણ ધરાવતાં આ વિસ્તારનું રાજકારણ બહુ પેચીદુ છે મોટા ઉદ્યોગો નથી, નોકરીની તકો પણ ઓછી છે. એ સંજોગોમાં જૂનાગઢથી રાજકોટ કે અન્ય શહેરોમાં સ્થળાંતર કરવાનું પ્રમાણ વધતુ જાય છે.

મોહનભાઇ પટેલ, ગોવિંદભાઇ શેખડા અને સળંગ ચાર વખત વિજયી બનેલા ભાવનાબેન ચિખલીયાનાં કારણે પાટીદાર પ્રભાવિત ગણાયેલી જૂનાગઢ લોકસભા બેઠક પર હવે જો પાટીદાર ઉપરાંત કોળી, કારડીયા, આહીર મતદારોઓ દબદબો ઉભો થયો છે.

જુનાગઢ સહિત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનીક પ્રશ્નોને લઇ રોષ છે. જેમાં ખેડૂતોને પાક વીમો, પાણી, સિંચાઇનો પ્રશ્ન મુખ્ય છે. ઘર આંગણે જૂનાગઢનો વિકાસ થયો હોવાનું જણાવાય છે પરંતુ આ શહેરમાં વિકાસ બહુ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે.

જૂનાગઢ બેઠક પર સૌથી વધુ કોળી મતદારોનું વર્ચસ્વ છે. સમયાંતરે કારડિયા અને આહીર સમાજનાં મતો પણ નોંધપાત્ર છે. પાટીદાર મતદારો સામુહિક મતદાન કરવા ટેવાયેલા હોવાથી તેમનું પ્રભુત્વ રહેલ હતું હવે દરેક સમાજ તેનું અનુકરણ કરીને રાજકીય વજન ઉભુ કરતો થઇ ગયો છે.

જૂનાગઢ જિલ્લાના અગ્રણી આહીર નેતા અને માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાને પક્ષ પલ્ટો કરાવીને ભાજપે  અહીં સ્થિતી સુધારી છે પરંતુ મતદારોનો મિજાજનો પલટો કેવોક થાય છે. તે જોવાનું રહ્યું.

ગીરનાર રોપ-વે પ્રોજેકટ શરૂ થવામાં છે. જેમાં સાંસદ રાજેશ ચુડાસમાની મહત્વની ભૂમિકા રહી છે પરંતુ અન્ય એકપણ કાર્ય તેમના કાર્ય કાળમાં થયુ નથી.

છેલ્લી ગણતરી મુજબ જૂનાગઢ બેઠક પર કુલ ૧૬,ર૮,પરર મતદારો હતાં. જેમાં કોળી ર,૪પ,પ૦૧, પાટીદાર ર,૦ર,૬૩૮, મુસ્લિમ ૧,૭૩,૮૮૮ અને કારડિયા- ૯૮પ૮ર મતદારોઓ સમાવેશ થતો હતો.

પરંતુ ૩૧જાન્યુઆરીથી ૧પ માર્ચ દરમ્યાન થયેલી નોંધણી  મુજબ જુનાગઢ લોકસભા બેઠક ઉપર ૧૩ હજાર જેટલા મતદારોનો વધારો થયો છે. મતદાર સુધારણા કામગીરીમાં પ૪ર૯ પુરૂષ અને ૭પ૭૧ મહિલા મળી કુલ ૧૩હજાર મતદારો વધ્યાછે.

જૂનાગઢ લોકસભા બેઠક હેઠળ આવતી સાત વિધાનસભા બેઠકનાં વિસ્તારમાં ગત તા. ૩૧-૧-ર૦૧૯ ની સ્થિતી મુજબ ૮,૪ર,ર૩૧ પુરૂષ તેમજ ૭,૮૬,પ૧ર મતદારો નોંધાયા હતાં.

તા. રપ-૩-ર૦૧૯ ની સ્થિતી મુજબ જૂનાગઢ લોકસભા બેઠક પર મતદારોની સંખ્યા ૧૬,૪૧,પર૮ થઇ છે. જેમાં ગત ૩૧ જાન્યુઆરીની સ્થિતી કરતાં પ૪ર૯ પુરૂષ અને ૭પ૭૧ સ્ત્રી મતદારોનો વધારો થયો છે.

સાત વિધાનસભા બેઠકમાં જૂનાગઢ મતક્ષેત્રમાં ૩૭૧૬ મતદારો ઉમેરાયા છે. જે સૌથી વધુ છે.જયારે સૌથી ઓછા ૧૧૭૮ મતદારો સોમનાથમાં વધ્યા છે. હવે આગામી ર૩ એપ્રિલનાં રોજ જૂનાગઢ બેઠક ઉપર ૧૬,૪૧,પર૮ મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે.

જૂનાગઢ બેઠક ઉપરથી ભાજપનાં રાજેશ ચુડાસમા ફરી સાંસદ બને છે કે પછી કોંગ્રેસનાં પુંજાભાઇ વંશ વિજેતા થઇને દિલ્હી જશે કે કેમ તે ર૩ મે નાં રોજ પરિણામ વખતે જ ખબર પડશે.

(11:48 am IST)