સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

ન્યાય સ્કીમ માટેના પૈસા ચોક્સી, નિરવ અને માલ્યા પાસેથી આવશે

ગુજરાતમાં રાહુલ ગાંધી દ્વારા પ્રચારનું રણશિંગુ ફુંકાયું : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ દરેક ભારતીયોને ૧૫ લાખ રૂપિયા આપવા માટે વચનો આપતા નથી : સત્તામાં આવીશું તો દેવુ નહીં ચુકવનારા ખેડૂતોને જેલમાં નહીં જવું પડે

અમદાવાદ,તા. ૧૫ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે રણશિંગુ ફંક્યું હતું. પાર્ટીની લઘુત્તમ આવક ગેરન્ટી યોજના ન્યાય માટે પૈસા ક્યાંથી આવશે તેવા થઇ રહેલા પ્રશ્નો અંગે જવાબ આપતા રાહુલે કહ્યું હતું કે, ન્યાય માટે પૈસા વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ફરાર લોકોના ખિસામાંથી આવશે. અહીં પોતાની પ્રથમ ચૂંટણી સભાને સંબોધતા કહ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીની જેમ એક ભારતીયને ૧૫ લાખ રૂપિયા આપવાના વચનો આપતા નથી. ન્યાય યોજનાના સંદર્ભમાં રાહુલે કહ્યું હતું કે, અમે સૌથી ગરીબ ૨૦ ટકા લોકોને ૬૦૦૦ રૂપિયા માસિક અથવા તો ૭૨ હજાર રૂપિયા વાર્ષિક આપવાની યોજના ધરાવીએ છીએ. ફરાર કારોબારીઓ પાસેથી રકમ એકત્રિત કરાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસના પ્રચારનું વિધિવત્ રણશિંગું ફુંકયુ હતું અને મહુવા ખાતેની વિશાળ જનસભાને સંબોધન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને આડા હાથે લીધા હતા. રાહુલે મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવાની સાથે સાથે કોંગ્રેસ જો આ વખતે સત્તા પર આવી તો, ખેડૂતો, ગરીબો, બેરોજગારો અને મહિલાઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની જાહેરાતો કરી હતી. જેમાં સૌથી મહત્વની જાહેરાત કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવી તો, આઝાદ ભારતના ઇતિહાસમાં દેવુ નહી ચૂકવી શકનાર કોઇપણ ખેડૂતને કોંગ્રેસના શાસનમાં કયારેય જેલમાં નહી જવુ પડે. કોંગ્રેસ સત્તામાં આવશે તો, બે બજેટ રજૂ કરશે..એક દેશનું ઓવરઓલ બજેટ અને બીજું ખેડૂતો માટે વિશેષ બજેટ. જે રજૂ કરતાં પહેલાં ખેડૂતોની રજૂઆત સાંભળી તેઓને વિશ્વાસમાં લેવામાં આવશે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની નિયત પર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે, મોદી કયારેય ખેડૂતોનું દેવુ માફ નહી કરે, પરંતુ કોંગ્રેસે તે રાજયોમાં સત્તા પર આવી ત્યાં ખેડૂતોનું દેવુ માફ કરીને બતાવ્યું છે અને ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવુ માફ કરીને બતાવશે. રાહુલે તત્કાલ ન્યાય યોજના લાગુ કરવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ મોદી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી માટે અદાણી અને અંબાણી માટે પૈસા છે પરંતુ ખેડૂતોને આપવા માટે પૈસા નથી. ખેડૂતોના ખાતામાં રૂ. ૧૫ લાખ હજુ આવ્યા નથી. ખેડૂતોને પાક વીમાના પૂરતા પૈસા હજુ મળતા નથી. આજે વિશ્વમાં સૌથી વધુ બેરોજગારો ભારતમાં છે. મોદીજી તેમના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા રાફેલ ડીલ જેવા કોઇપણ સોદાઓ કરી શકે છે પરંતુ ખેડૂતોના દેવા માફ કરી શકતા નથી. વાસ્તવમાં ગરીબો અને ખેડૂતોને સધ્ધર કરવાની ખોટી જાહેરાતો કરી મોદીએ ખેડૂતો અને ગરીબો સાથે છેતરપીંડી કરી છે. જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો, એક વર્ષમાં ૨૨ લાખ સરકારી નોકરીઓ ભરીશું. કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ તત્કાલ ન્યાય યોજના લાગુ કરીશું અને અનેક ગરીબોને ન્યાય અપાવીશું.  નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં કરેલા અન્યાય સામે તત્કાલ ન્યાય યોજના અમે લાવીશું. ન્યાય યોજના મારફતે પાંચ કરોડ ગરીબ પરિવારોને ન્યાય અને સહાય આપવામાં આવશે. ગરીબોના ખાતામાં દર વર્ષે રૂ.૭૨ હજારની રકમ જમા કરવામાં આવશે. ભાજપ સવાલ કરે છે કે, કોંગ્રેસ આ માટે પૈસા લાવશે કયાંથી? તો હું કહેવા માંગુ છે કે, કોંગ્રેસ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ભાગેડુઓ પાસેથી દેવા વસૂલ કરી ગરીબો અને ખેડૂતોને પૈસા આપશે. આજે માલ્યા, નીરવ મોદી જેવા અબજોપતિઓ જેલમાં નથી પરંતુ લોન ભરપાઇ નહી કરી શકનાર ખેડૂતોને જેલમાં પૂરાય છે પરંતુ કોંગ્રેસની સત્તા આવશે તો, ખેડૂતોને લોન ભરપાઇ નહી કરવા બદલ કયારેય જેલમાં નહી જવુ પડે એ હું ખાતરીપૂર્વક કહું છું.

રાહુલે ઉમેર્યું કે, મોદી સરકારના નોટબંધી, જીએસટી જેવા નિર્ણયોને લઇ દેશ વર્ષો પાછળ ધકેલાઇ ગયો છે અને દેશનું આર્થિક તંત્ર પડી ભાંગ્યું છે. દેશમાં કેટલાય ધંધા-રોજગાર બંધ થઇ ગયા છે અને લોકો તકલીફો, મુસીબતોનો સામનો કરી રહ્યા છે પરંતુ લોકોના દુઃખ સાથે મોદીને કોઇ લેવાદેવા નથી, તેમને તો, અદાણી-અંબાણી જેવા ઉદ્યોગપતિઓમાં જ રસ છે, મોદી અદાણી અને અંબાણીના ચોકીદાર છે. દેશની જનતાને ભરોસો હતો કે, મોદીજી કંઇક કરશે પરંતુ પ્રજાનો આ વિશ્વાસ મોદીજીએ તોડયો છે. રાહુલે ગુજરાતની જનતાને આ વખતે કોંગ્રેસને જીતાડવા અપીલ કરતાં જણાવ્યું કે, તમે કોંગ્રેસને આ વખતે તક આપો, કોંગ્રેસ તમારી સરકાર હશે, જે તમને સાંભળીને, તમારા અભિપ્રાય મુજબ નિર્ણયો લેશે. તમારા મનની વાત સાંભળી તેનો અમલ કરનારી તમારી પોતાની સરકાર હશે. રાહુલે કોંગ્રેસને જીતાડવા ગુજરાતની જનતાને નમ્રતા સાથે અનુરોધ કર્યા હતો.

 

(8:27 pm IST)