સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

ધ્રોલ વિસ્તારમાં વીજ તંત્ર દ્વારા ગ્રામ્ય પ્રજાને આડેધડ બીલો ફટકારાયાઃ યુનિટના ૧ર રૂા.!!

લોકોમાં ફાટી નીકળેલો રોષઃ વીજ કચેરીમાં પણ કોઇ જવાબદાર હાજર નહી

રાજકોટ તા. ૧પ :.. જામનગર રોડ ઉપર આવેલા ધ્રોલ વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ તંત્ર દ્વારા લોકોને આડેધડ બીલો ફટકારાતા દેકારો બોલી ગયો છે., લોકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. સંખ્યાબંધ ગ્રાહકોને ૮ થી ૧ર રૂા. યુનિટ લેખે બીલો અપાતા લોકોમાં હાયકારો નીકળી ગયો છે, એટલુ જ નહી ગ્રાહકો જીઇબીની ઓફીસે રજૂઆત માટે જાય તો કોઇ જવાબ આપતુ નથી, કોઇ જવાબદાર હોતા નથી, વારંવાર ધકકા થતા હોવાની બૂમો ઉઠી છે.

નવાઇ એ છે કે અગાઉના મહીનાનું બીલ ભરેલુ હોવા છતાં ચડત આવે તો પહોંચ લઇને આવો તેવા જવાબો અપાય છે, બે - બે મહિનાના બીલો કોમ્પ્યુટરમાં જમા લેવાતા નથી. તેવી ચોંકાવનારી ફરીયાદો ઉઠી છે.

એટલુ જ નહી, ૪ થી પ બીલ બંધના અપાયા બાદ મન ફાળે તેમ બીલ અપાતા હોવાની અને એકી સાથે છ-છ બીલના મોટા બીલો અપાતા હોવાની પણ ફરીયાદો ઉઠી છે.

ચોંકાવનારી બાબત મુજબ એક બીલમાં ૭૧ યુનિટનું બીલ ૧ર૧૭ રૂા. તો બીજા બીલમાં ૧૬૯ યુનિટનું બીલ રૂા. ૧૦૪૯ અપાયું છે, ગ્રાહકોએ શું સમજવુ તે પ્રશ્ન થઇ પડયો છે.

(12:07 pm IST)