સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

ગોંડલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો આશિષ પકડાયોઃ ૪ બુકીના નામો ખુલ્યા

જૂનાગઢના યોગેશ ઉર્ફે વાય.જે., ભાવનગરના રૂપેશ ઉર્ફે આર.એસ., વાસાવડના ઈમરાન ઉર્ફે એપલ તથા રાજકોટના અલીની શોધખોળઃ આરઆર સેલનો દરોડો

રાજકોટ, તા. ૧૫ :. ગોંડલમાં આરઆર સેલની ટીમે રેડ કરી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે ચાર બુકીઓના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ આરઆર સેલના પીએસઆઈ એમ.પી. વાળા તથા સ્ટાફે ગોંડલમાં જેતપુર રોડ પર ત્રણ ખુણીયા પાસે માલવીયાનગર સોસાયટીમાં પાણીના ટાંકા પાસે આઈપીએલ ક્રિકેટ મેચ પર પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા આશિષ ઉર્ફે રામભાઈ જીતેન્દ્રભાઈ સોમૈયા રહે. માલવીયાનગર, પાણીના ટાંકા પાસે ગોંડલ મોબાઈલ ફોન નંગ ૬, રોકડ રૂા. ૧૫૦૦ મળી કુલ ૯૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

પકડાયેલ આશિષ સોમૈયા જૂનાગઢના બુકી યોગેશ ઉર્ફે વાય.જે., ભાવનગરના બુકી રૂપેશ ઉર્ફે આર.એસ., વાસાવડના બુકી ઈમરાન ઉર્ફે એપલ તથા રાજકોટના બુકી અલી પાસે સટ્ટા બેટીંગના સોદાઓ કરતો હોવાનું ખુલતા આ ચારેય બુકીની શોધખોળ હાથ ધરાય છે.

તેમજ ગોંડલ જૂના સર્કિટ હાઉસ પાસેની શેરીમાં ડીવાયએસપીના રીડર પીએસઆઈ વી.કે. ગોલવેલકર તથા સ્ટાફે રેડ કરી અમીન મહમદભાઈ તૈલી રહે. બસ સ્ટેન્ડ પાસેને વરલીના આંકડા લેતા કુલ ૨૦૯૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:51 am IST)