સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

ધોરાજી-ઢાંક-ઉપલેટા પંથકમાં ભેદી ધડાકોઃ ભુકંપ?

ગ્રામ્ય વિસ્તારોમાં લોકો બહાર દોડી ગયાઃ જો કે ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરમાં કોઇ નોંધ નથી

રાજકોટ, તા., ૧૬: રાજકોટ જીલ્લાના ધોરાજી-ઉપલેટા પંથકમાં આજે બપોરે ભેદી ધડાકો થતા લોકોમાં ભય પ્રસરી ગયો છે. આ ધડાકો ભુકંપનો છે કે અન્ય કોઇ તે અંગે લોકો એક બીજાને પુછપરછ કરી રહયા છે.

પ્રાપ્ત માહીતી મુજબ આજે બપોરે ૧.૩પ વાગ્યા આસપાસ ઉપલેટા, ધોરાજી-ઢાંક-મોટી પાનેલી-ભુતવડ, પ્રાંસલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક ભેદી ધડાકો થતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને ભય પ્રસરી ગયો હતો.

આ અંગે ધોરાજી નજીકના ભુતવડમાં આવેલ રામદેવપીર મંદિરના પૂ. મહંત જેઠારામે જણાવ્યું હતું કે, ૧.૩પ વાગ્યા આસપાસ ભુકંપ નેવો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ભુતવડમાં કાચા મકાનોમાં બારી-બારણા હલબલી ગયા હતા.

આ ઉપરાંત ઉપલેટાના કોલકી રોડ સહીતના વિસ્તારોમાં તેમજ ધોરાજીના જુદા જેુદા વિસ્તારોમાં પણ અનેક લોકોએ ભેદી ધડાકો અનુભવ્યો હતો.

જો કે ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરમાં ભુકંપ અંગે કોઇ નોંધ થઇ નથી. અચાનક ભેદી ધડાકાથી લોકોમાં ભારે ભય પ્રસરી ગયો છે.

(2:20 pm IST)