સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

ગીરગઢડાના થોરડી ગામે રાજ્યના રપમાં અગ્નિહોત્ર ફાર્મની સ્થાપના

નીલકંઠ ફાર્મ (થોરડી) ગીરસોમનાથ ખાતે યોજાયો અનેરો ઋષિ કૃષિ કાર્યક્રમ

ઉના તા.૧૬: ગીરગઢડા તાલુકાના થોરડી ગામના લાલજીભાઇ બુહાના નિલકંઠ ફાર્મખાતે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાજરીમાં આંબાના વૃક્ષો પાસે બેસી અગ્નિહોત્ર યજ્ઞ કરવામાં આવ્યો. કેરીના વધુ ઉત્પાદન સાથે ઉંચી ગુણવતાની કેરીઓ માટે જાણીતા આ ફાર્મમમાં વર્ષોથી જંતુનાશક દવાઓ કે રસાયણોનો ઉપયોગ થયો નથી. સવાર સાંજ અગ્નિહોત્ર યજ્ઞ કરવામાં આવે છે. આ ફાર્મને નમૂનારૂપ કરવા લાલજીભાઇ અને દિનેશભાઇનો સમગ્ર પરિવાર પ્રયત્નશીલ છે.

તેની ઉજવણી માટે અને ખેડૂતોમાં સજીવ ખેતી અને અગ્નિહોત્ર વિષે જાગરૂકતા આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.એ.આર. પાઠક કૃષિ ઉત્પાદનની ગુણવતા વધારવા માટે તથા તેના મુલ્ય વર્ધન કરીને વધારે નફો રળવા માટે શું કરી શકાય તેનું માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે અગ્નિહોત્રનો પ્રચાર પ્રસાર કરનાર અગ્નિહોત્ર ગુજરાતના શ્રી યોગેશભાઇ જોશી દ્વારા અગ્નિહોત્ર દિવસના રોજ રાજ્યના સિલ્વર જયુબેલી પચ્ચીસમાં અગ્નિહોત્ર ફાર્મની સ્થાપના કરી તેમજ અગ્નિહોત્ર કેન્દ્ર દ્વારા કેન્દ્રના વરિષ્ટ અનુયાયી ચીનુભાઇ દવે દ્વારા અગ્નિહોતર ફાર્મના ખેડૂત લાલજીભાઇ બુહાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુું.

સૃષ્ટિના રમેશભાઇએ ખેડુતોની કોઠાસૂઝ અને નવીન કરવાની વૃતિને બિરદાવી અને ભારતના ખેડૂતો અને ગ્રામજનોના પારંપારિક જ્ઞાનને શોધી તેનું પરિક્ષણ કરી તેને વ્યાપક સમ્ન્વયથી આવેલ પરિણામોની રજુઆત કરી. પ્રોફેસરશ્રી વિરેન્દ્ર ભટ્ટ, ભરતભાઇ પરસાણા, અશ્વિનભાઇ નારીયા, ગફારભાઇ, ચાવડાભાઇ વગેરે તજજ્ઞોએ માહિતી આપી. આ કાર્યક્રમનું સંચાલન પ્રવિણભાઇ આસોદરિયાએ કર્યું.

આ પ્રસંગે આજુબાજુના ગામડાઓમાંથી તથા સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાંથી તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઇઓ અને બેહનો ઉપસ્થિત રહયા હતા. મહારાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતોએ પણ ભાગ લીધો હતો. લાલજીભાઇના પત્ની વિજયા બેહને ખેતીને આગળ વધારવા માટે બહેનોનો શું ફાળો હોઇ શકે તેની જૂસ્સાભેર રજૂઆત કરી કૃષિ પેદાશોનું મુલ્યવર્ધન કરીને લોકોને પોૈષ્ટિક અને યોગ્ય ખોરાક મળે તે માટે બહેનો શું શું કરી શકે તેનું માર્ગદર્શન આપ્યું. લાલજીભાઇ એ ખેડુતોને કહયું કે સમાજને શુદ્ધ, સાત્વિક, પોષક અને ગુણવતાસભર ખોરાક મળી રહે તે માટે અમો અમારી કેરીનંુ મુલ્યવર્ધન કરી ને કેરીનો રસ, કાચી કેરીનું સરબત, આમચુર પાવડર, ગોઠલી મુખવાસ, કેરીના અથાણા, સરગવાના પાનનોં પાવડર , જાંબુ પાવડર, બબુલ કિંકર પાવડર વગેરે બનાવીને રાજકોટ, અમદાવાદ, વડોદરા, મુંબઇ દિલ્હી જેવા મેગા સેન્ટરો મા જાતે વેચાણ કરીને સારૃં એવું વળતર મેળવીએ છીએ.

આ કાર્યક્રમમાંથી પ્રેરણા લઇને અનેક ખેડૂતોએ આ ખેતી પદ્ધતિ અપનાવીને ખેતીના પારંપારિક જ્ઞાન સાથે નવી પદ્ધતિનો સુમેળ કરી પોતાની ખેતીને વધુ નફાકારક બનાવાવનો સંકલ્પ કર્યો.

(11:45 am IST)