સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

મોરબી,માળીયા, અંજાર,રાપર ભાજપ સંગઠનની રજૂઆતો પૂર્ણ- કચ્છ લોકસભા બેઠક માટે ધમધમાટ

જિલ્લા સંગઠન પાસે ૨૫ જેટલા દાવેદારોની રજૂઆતો:જોકે સાંજ સુધી નિરીક્ષકો પાસે રજૂઆત નો આંકડો ૫૦ થી વધુ પહોંચવાની સંભાવના

વિનોદ ગાલા દ્વારા: ભુજ :૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં મોરબી-કચ્છ બેઠક ના દાવેદારોની રજુઆત આજે નિરીક્ષકો રણછોડ રબારી, વસુબેન ત્રિવેદી, બિપિન દવે એ સાંભળી હતી. બપોર સુધી અંજાર, મોરબી તેમ જ રાપર એ ત્રણ વિધાનસભા બેઠકો ના આગેવાનોએ રજુઆત પૂર્ણ કરી હતી. કુલ ૭ પૈકી હજી ૪ વિધાનસભા બેઠકો ના આગેવાનોની રજૂઆતો બાકી છે. આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલશે. દરમ્યાન કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે 'અકિલા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લા સંગઠન પાસે અત્યાર સુધીમાં ૨૫ જેટલા દાવેદારોની રજુઆત આવી છે. જોકે, આમાં નિરીક્ષકો સમક્ષ થયેલી રજૂઆતોનો સમાવેશ નથી. શકયતા પ્રમાણે સાંજ સુધીમાં દાવેદારોની સંખ્યા વધીને ૫૦ ની પાર જઈ શકે છે.

મોરબી વિધાનસભા બેઠકનો સમાવેશ કચ્છમાં થતો હોઈ મોરબી અને માળીયા ના ભાજપ આગેવાનોએ નિરીક્ષકો સમક્ષ પોતાની રજુઆત કરી હતી. આ રજુઆતમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઈ ઘડારા, ઉપપ્રમુખ જયુભા જાડેજા ની સાથે જિલ્લા, તાલુકા, શહેર ભાજપ સંગઠનના આગેવાનો લાખાભાઈ જારીયા, અરવિંદભાઈ વસ્તાડિયા, જેન્તીભાઈ પટેલ, જેસંગભાઈ હુંબલ, હંસાબેન ઠાકર, દેવીલાબેન મહેતા સહિતના સંગઠનના અન્ય હોદ્દેદારો જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા મોડે થી રજુઆત કરશે. ભાજપ દ્વારા જિલ્લા કક્ષાએ સેન્સ પુરી થયા પછી પ્રદેશ કક્ષાએ ગાંધીનગર અને અંતે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ માં દિલ્હી થી ઉમેદવારના નામની મંજૂરી ની મહોર મારવામાં આવશે. લોકસભા બેઠક માટે ઉમેદવારી ની અંતિમ તારીખ ૪ થી એપ્રિલ છે.

(1:04 pm IST)