સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th February 2020

ભાવનગરના તળાજા ખાતે 'મેથળા બંધારા'ના ઉપરના ભાગે સરકાર રૂ. 137 કરોડના ખર્ચે પાકો બંધારો બાંધશે

મહુવા : ભાવનગરના તળાજા ખાતે મેથળા બંધારો બે વર્ષ પહેલા 12 ગામોના ખેડૂતોએ જાત મહેનત અને અપના હાથ જગન્નાથના સૂત્ર સાથે લોકફાળાના 50 લાખના ખર્ચે તૈયાર કર્યો હતો. આ બંધારાની પાછળના ભાગે સરકાર હવે રૂ.137 કરોડના ખર્ચે વૈશ્વિક ડિઝાઈનનો મજબૂત બંધારો તૈયાર કરવા જઈ રહી છે. જેનો મુલ્યવાન ફાયદો 12થી વધુ ગામોને થશે અને આ વિસ્તારોમાંથી થતું લોકોનું સ્થળાંતર અટકી જશે. બહુચર્ચિત મેથળા બંધારો કે જેને 12થી વધુ ગામોના ખેડૂતોએ આજથી બે વર્ષ પહેલા રૂ.50 લાખના લોક ફાળાથી બાંધ્યો હતો. બંધારો બાંધવા માટે કોઈપણ સરકારી મદદ લેવામાં આવી ન હતી.

મેથળા બંધારો શું છે? : બાર ગામોમાંથી પસાર થતી બગડ નદીનું પાણી દરિયામાં વહી જાય છે, જ્યારે દરિયાની ભરતી સમયે તેનું ખારું પાણી આ નદીમાં પરત ફરે છે. આ કારણે નદીના પાણીમાં ખારાશ ભળી જાયા છે અને આ વિસ્તારની કિંમતી જમીન બિનઉપજાવ બની જાય છે. આથી આ વિસ્તારના ખેડૂતો દ્વારા સરકાર પાસે બંધારો બાંધી આપવાની લાંબા સમયથી રજૂઆત હતી. તંત્ર યોગ્ય ડિઝાઈનના અભાવે તેની મંજૂરી આપતું ન હતું. આથી ગામ લોકોએ બે વર્ષ પહેલા 1 કિલોમીટર લાંબો બંધારો સ્વ ખર્ચે તૈયાર કર્યો હતો.

ખેડૂતોને મળ્યા સારા પરિણામ : બંધારણાના સારા પરિણામો આજે આ વિસ્તારના ખેડૂતોને મળી રહ્યા છે. ખેડૂતોએ બાંધેલો માટીનો બંધારો દરિયાના ખારા પાણીને પરત ફરતા અટકાવવામાં સફળ રહ્યો છે અને મીઠા પાણીનું હજારો હેક્ટરનું સરોવર આજે આ વિસ્તારના ખેડૂતો માટે ફાયદારૂપ બની ગયું છે. કૂવાઓના તળ ઊંચા આવી ગયા છે, આ વિસ્તારોમાં પીવાના પાણીની હાલ કોઈ સમસ્યા નથી. ખેતરો અને વાડીઓ ફરી જીવંત બની જતા અહીંના લોકો ઘઉં, બાજરો, ડુંગળી, જુવાર સહિતના પાકો લઇ રહ્યા છે. અહીં ચોમાસા ઉપરાંત શિયાળું અને બાદમાં ઉનાળું પાક પણ લઇ શકાશે. આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં હરિયાળી નજરે પડી રહી છે.

સરકારની જાહેરાત : સરકારે આ માટીના બંધારાની ઉપરના ભાગે રૂ. 137 કરોડના ખર્ચે તૈયાર થનાર સિમેન્ટ કોન્ક્રિટના બંધારાને મંજૂરી આપી દીધી છે. જેના સર્વેની કામગીરી થોડા દિવસો પહેલા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ બંધારો વૈશ્વિક ડિઝાઈન અનુસાર બનશે. જેમાં લંબાઈ અને ઊંચાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ બંધારા માટે વન-વિભાગની 600 હેક્ટર તેમજ 261 હેક્ટર જમીન ખેડૂતો ખાનગી જમીન ડૂબમાં જશે. જેમાં વન-વિભાગને આ જમીન બદલે નવી જમીન અન્ય જગ્યા પર આપી દેવામાં આવી છે, જ્યારે ખેડૂતો સાથે સંપાદનની કાર્યવાહી હાલ શરુ છે. જે પૂર્ણ થયા બાદ બંધારાની કામગીરી હાથ ધરવામાં આવશે.

સરકાર દ્વારા રૂ. 137 કરોડના ખર્ચે મેથળા બંધારો બાંધવાની જાહેરાતથી આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો મોજું છવાયું છે. તેમના કહેવા મુજબ આ વિસ્તારમાં નવા, પાકા અને મજબૂત બંધારાનું નિર્માણ થવાની આવનારા સમયમાં વધુ પાણીનો સંગહ થશે, જેનો મહત્તમ લાભ આ વિસ્તારના ગામોને થશે. ખેતી વધુ સમૃદ્ધ બનશે અને લોકોનું સ્થળાંતર અટકી જશે.

ખેડૂતોએ બાંધેલા માટીના બંધારાથી આ વિસ્તારની જમીનોમાં ખારાશ ઓછી થવા પામી છે અને જમીનો ખેતીલાયક બની જતાં હાલ આ વિસ્તાર હરિયાળો બની ગયો છે. ખેતરોમાં ત્રણેય ઋતુમાં પાક લઇ શકાય છે, ત્યારે નવા બંધારા બાદ આ વિસ્તારની જમીન વધારે ફળદ્રૂપ અનં કિંમતી બનશે.

(11:51 am IST)