સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th February 2018

ગોહિલવાડમાં રર હજાર હેકટરમાં ડુંગળીનું વાવેતર

પ્રારંભિક તબક્કે રૂ.૭૦૦ સુધી પહોંચેલા ભાવ ૧પ માર્ચ સુધી રૂ.૩૦૦થી વધુ રહેશે તેવી શકયતાઃ સરકારે એકસપોર્ટના નિયમોમાં ફેરફાર કરવો અતિ આવશ્યકઃ જીલ્લાના ડિહાઇડ્રેશનો પાસે તૈયાર માલ જુનો મોટા પ્રમાણમાં પડયો હોય સફેદ ડુંગળીના ૧૦૦ થી ૧૮૦ બોલાય છે

ભાવનગર તા.૧પ : ભાવનગર જીલ્લામાં તળાજા, મહુવા, ઘોઘા અને પાલીતાણા, શિહોર તાલુકાના કેટલાક ગામડાઓના ખેડુતો ડુંગળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં કરે છે. વર્તમાન સમયે જે ખેડુતો ડુંગળીનું ઉત્પાદન મેળવી રહ્યા છે તેઓને સારા ભાવ મળી રહ્યા છે. સરકાર એ એકસપોર્ટની છુટ આપવામાં આવી હોય આ ભાવ આવનારા એક માસ સુધી ટકી રહે તેવી સંભાવનાઓ છે પરંતુ વેપારીઓની માંગ છે કે નિકાસના નિયંત્રણોમાં ફેરફાર લાવવાની જરૂરીયાત છે. હાલ ભાવનગરની ડુંગળી રાજય અને દેશના સીમાડાઓ વટાવી રહી છે. જો કે ડિહાઇડ્રેશનની હાલત ખરાબ છે.

કેરી, કેળા અને કાંદા આના વેપારી હંમેશા માંદા આવી કાઠીયાવાડ-સૌરાષ્ટ્રમાં કહેવત પ્રચલિત છે. પરંતુ અહી વાત છે કાંદાની. ગરીબોની કહેવાતી કસ્તુરીની ખાસ તો ભાવનગર જીલ્લાના મહુવા અને તળાજા તાલુકામાં ડુંગળીનું વાવેતર રાજયમાં નોંધપાત્ર થાય છે. બંને તાલુકામાં અંદાજીત ૧૪ હજાર હેકટરનું વાવેતર લ્યે છે તે ઉપરાંત ભાવનગર, ઘોઘા, શિહોર અને પાલીતાણા તાલુકાના પિયતવાળા વિસ્તારમાં પણ ડુંગળીનું વાવેતર થાય છે જેને લઇ ગોહિલવાડમાં અંદાજીત બાવીસ હજાર હેકટરમાં વાવેતર થયાનો અંદાજ છે.

ડુંગળીના ઉત્પાદનનો પ્રારંભિક તબક્કો એટલે કે ૧પ ડિસેમ્બર થી ૧પ જાન્યુઆરી એકાદ માસ સુધી મણે રૂ.૬૦૦ થી ૭૦૦નો ભાવ ખેડુતોને મળતા પાંચ વર્ષ બાદ ડુંગળી પકવતા ખેડુતોને સારા ભાવ મળ્યા હતા.

ડુંગળીની ખરીદી કરી દેશના અલગ-અલગ પ્રાંત અને વિદેશમાં ડુંગળીની નિકાસ કરતા વાહીદભાઇ ભનસારીયાના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયે મકાનો ભાવ રૂ.૩૦૦ થી ૩પ૦ સુધી લાલ ડુંગળીનો ખેડુતોને મળી રહ્યો છે. સારી કવોલીટીનો સફેદ ડુંગળીનો ભાવ રૂ.૧૦૦ થી ૧૮૦નો છે. આ ભાવ હજુ એક માસ સુધી ટકી રહેવાની આશા વેપારીઓને છે તે લઇ ખરીદી કરી રહ્યા છે. જીલ્લાના ભાવનગર અને મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે જ ડુંગળીની આવક થઇ રહી છે.

ઉંચા ભાવ મળવાનુ કારણ માલની અછત છે જેના કારણે દિલ્હી, પંજાબ, બિહાર, ઉત્તરપ્રદેશ, બંગાળ, રાજસ્થાનમાં સારી માંગ છે તે ઉપરાંત કેન્દ્ર સરકારે નિકાસની છુટ આપતા ભાવનગર જીલ્લાની ડુંગળી મલેશીયા, સિંગાપુર, શ્રીલંકા, ઇટાલી, ઇન્ડોનેશિયા, વિયેતનામમાં જાય છે.

પરંતુ વેપારીઓની લાગણી એવી છે કે એકસપોર્ટના નિયમોમાં સરકારે તાત્કાલિક ફેરફાર કરવાની જરૂર છે. વેપારીઓની મુંઝવણ વિશે જણાવ્યુ હતુ કે, એકસાઇઝ વિભાગના બદલે કસ્ટમ વિભાગને કામગીરી સોંપવામાં આવી હોય કન્ટેનર જયારે ગોડાઉનથી ભરાયા છે ત્યારે કસ્ટમ અધિકારીની ત્યાં હાજરી હોતી નથી. પીપાવાવ પોર્ટ પર કન્ટેનર પહોંચે ત્યારે કસ્ટમ કહે ત્યાં લઇ જવુ પડે છે. કન્ટેનર ઉતારીને પાંચ સીલ ખોલીને તપાસ કરવામાં આવે છે અને બાદમાં સીલ લાગે છે ફરી પછી લોડીંગ કરી શીપ સુધી લઇ જવામાં આવે છે જ આ લાંબી પ્રોસીઝરના કારણે સમય, મહેનત અને નાણા વધુ ખર્ચાય છે જે છેવટે ખેડુતોને તકલીફકર્તા છે. કસ્ટમ સ્ટાફ ઓછો હોય તો પણ અગવડતા પડે છે આથી સરકારે નિકાસની છુટ આપી તે સારી વાત છે પરંતુ નિયમોમાં ફેરફાર લાવવા જરૂરી છે નહીતર વેપારી દ્વારા નિકાસ કાર્યમાં બ્રેક લગાવવામાં આવશે. ફ્રુટ અને વેજીટેબલ નિકાસ નીતિ સુધારવી અતિ આવશ્યક છે.

માર્કેટીંગ યાર્ડમાંથી જથ્થાબંધ ડુંગળી ખરીદી કરતા વેપારીના જણાવ્યા પ્રમાણે મહુવા અને તળાજામાં ડિહાઇડ્રેશનની ફેકટરીઓ અનેક છે. આ ફેકટરીઓ સ્થાનિક લેવલે કાચો માલ મળી રહે તે માટે બનેલા છે પરંતુ વર્તમાન સમયે ડુંગળીનો પાઉડર બનાવતા અને પરદેશ અથવા તો દેશની મોટી હોટલોમાં મોકલતા કારખાનાઓની હાલત ખરાબ છે કારણ કે મોટાભાગના કારખાનાના માલિકો પાસે જુનો માલનો મોટો જથ્થો પડયો છે. જેથી કારખાનાઓ અમૂક બંધ પડયા છે. જે બાબત ખેડુતો માટે નુકસાનકર્તા ગણવામાં આવે છે.(૩-૮)

 

(12:21 pm IST)