સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

મોરબીના ઝીકીયારી ગામે ડેમમાંથી ઝંપલાવી પ્રેમી પંખીડાનો આપઘાત ?

મોરબી તા. ૧૬ : ઝીકીયારી ગામ નજીકના ધોડાધ્રોઈ ડેમમાં યુવક અને યુવતી ડુબ્યાની માહિતી મળતા મોરબી ફાયર ટીમના તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેકસ્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે ફાયર ટીમ રેસ્કયુ કરે તે પૂર્વે જ યુવક અને યુવતીના મોત થયા હતા તો મૃતક સગીરા લક્ષ્મીબેન મનસુખભાઈ સતાલીયા (ઉ.વ.૧૫) અને નીલેશ મોહન સોલંકી (ઉ.વ.૧૯) બંને જીકીયારીના રહેવાસી હોવાની માહિતી મળી હતી.

તો બંને મૃતદેહ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી પ્રેમપ્રકરણ હોવાની આશંકા પોલીસે વ્યકત કરી હતી અને પ્રેમી પંખીડાએ સાથે ડેમમાં કુદી મોતને વ્હાલું કર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ આર બી વ્યાસ ચલાવી રહ્યા છે.

ફાયર ટીમના પ્રીતેશ નગવાડીયા, સલીમ નોબે, પેથાભાઈ, દિનેશ પડાયા,વસંત પરમાર, હિતેશ દવે સહિતની ટીમે રેકસ્યું હાથ ધર્યું હતું જોકે બંનેને બહાર કઢાય તે પૂર્વ જ મોત થયા હતા તો ઝીકીયારી ગામમાં બે આપઘાતના બનાવથી ચકચાર મચી હતી.

મમુ દાઢીની ધરપકડ

મોરબીના ખાટકીવાસમાં બઘડાટી અને ફાયરીંગ બાદ હત્યા પ્રકરણમાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવાની બાકી હોય જે આરોપીને આખરે પોલીસે ઝડપી લીધો છે અને કોર્ટમાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

મોરબીના ખાટકીવાસમાં ગત માસે થયેલ બઘડાટીમાં બંને પક્ષે એક એક યુવાનના મોત થયા હતા બોલાચાલી બાદ ઝઘડો થતા ફાયરીંગ કરવામાં આવ્યા હોય જેમાં બે યુવાનના મોત થયા હતા જે બનાવ મામલે ધરપકડનો સિલસિલો સતત જોવા મળ્યો હતો તો હત્યા પ્રકરણમાં મુખ્ય સુત્રધાર હનીફ ઉર્ફે મમુ ગુલામભાઈ કાસમાણી (ઉ.વ.૫૨) રહે મોરબી તલવાડી શેરી ખાટકીવાસ વાળાની ધરપકડ કરવામાં આવી છે બઘડાટી પ્રકરણમાં આરોપી હનીફ ઉર્ફે મમુ ગુલામભાઈ કાસમાણી પણ ઈજાગ્રસ્ત થયો હોય અને હોસ્પિટલમાં દાખલ હોય જેની સારવાર પૂર્ણ થયા બાદ તા. ૧૪ ના મોડી સાંજે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બઘડાટી હત્યા પ્રકરણના મુખ્ય સુત્રધારને કોર્ટમાં રજુ કરવામાં આવશે.

બરવાળા નજીક કારની ઠોકરે બાઇક સવારને ઇજા પહોંચી

મોરબીના બરવાળા નજીક મોટરસાયકલ ચાલકને કારે ઠોકર મારતા યુવાનને ઈજા પહોંચી છે જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પાનેલી ગામ નાવાપરાના રહેવાસી અનિલભાઈ કરશનભાઈ હડીયલ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બરવાળા ગામ નજીક તે મોટરસાયકલ જીજે ૦૩ એચબી ૫૩૪૦ લઈને જતા હોય ત્યારે સાઈડ ફોર વ્હીલ જીજે ૩૬ એલ ૫૦૦૮ ના ચાલક રૃષીનભાઈ શશીભાઇ માંડલિયા રહે સોમનાથ સોસાયટી મોરબી વાળા સાઈડ કાપતી વેળાએ મોટરસાયકલને ઠોકર મારી હતી જે અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચી છે તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(12:11 pm IST)