સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th November 2021

જામનગર ડી.કો. બેંકના વસુલાત ઝુંબેશમાં પ્રથમ વખત આગેવાનોએ ઉત્સાહ બતાડયો

૪૯ હજાર ખેડુતોનું જુથ ધરાવતી બેંક દ્વારા ૭૦૦ કરોડ ઉપરના ધીરાણની વસુલાત માટે તાલુકા મથકે કાર્યક્રમ

જામનગર તા. ૧પઃ જીલ્લા સહકારી બેંકનો ભાજપના સહકારી આગેવાનોએ કબજો મેળવ્યા બાદ હાલમાં ચેરમેન તરીકે પી. એસ. જાડેજા સતાના સુત્રો સંભાળી રહ્યા છે ત્યારે જીલ્લા સહકારી બેંકમાં નવા પ્રાણ પુરાયા હોય તેમ બેંક દ્વારા વર વર્ષે કરોડોનું ખેડુતોને ધીરાણ આપવામાં આવતું હોય આ ધીરાણની વસુલાત માટે પ્રથમ વખત ડીરેકટરોની હાજરીમાં રીન્યુ સહીતની બેઠકનો પ્રયોગ કરવામાં આવતા વસુલાત માટે સારી એવી સફળતા મળવાની આશા છે.

મળતી વિગત મુજબ જામનગર જીલ્લા સહકારી બેંક સામાન્ય રીતે દર વર્ષે ખેડુતલક્ષી ધીરાણ આપવામાં આવતું હોય છે અને ખેડુતોને દર વર્ષે ૭૬૦ કરોડ જેવું અધધ... માતબર ધીરાણ આપીને ખેડુતોને આત્મનિર્ભર સહીત બેંક મદદરૂપ થાય છે ત્યારે આ બેંક ખેડુતોના ધીરાણ ઉપર નિર્ભર હોય તેવામાં દર વર્ષે તાલુકા મથકે વસુલાત કાર્યક્રમ કરીને બેંકના તમામ અધિકારીઓ રીન્યુ સહીતની બેઠક કરીને ખેડુતોની સિઝન ખુલ્લી હોવાથી જો ખેડુતો પાસે પુરતા પ્રમાણમાં નાણાની જોગવાઇ હોય તો વસુલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે ધ્રોલ-જોડીયા-કાલાવડ ખાતે તાજેતરમાં વસુલાત માટે બેઠક મળી હતી જેમાં જોડીયા ખાતે બેંકના ડીરેકટર ધરમશીભાઇ ચનીયારા પ્રથમ વખત ઉત્સાહ દાખવીને આ બેઠકમાં હાજર રહ્યા હોય તેવો પ્રથમ કીસ્સો સામે આવ્યો છે જેના બેંકના અધિકારીઓ વગેરેમાં જુસ્સો વધ્યો છે. આ કાર્યક્રમ જોડીયા ઉપરાંત ધ્રોલ ખાતે બેંકના વાઇસ ચેરમેન રાજુભાઇ વાદી, ધરમશીભાઇ ચનીયારા, યાર્ડના પૂર્વ ચેરમેન રસીકભાઇ ભંડેરી રાઘવજીભાઇ પટેલના પુત્ર જયેન્દ્રભાઇ મુંગરા, કાલાવડ ખાતે રાજુભાઇ વાદી, બળદેવસિંહ જાડેજા વગેરે બેંકના પદાધિકારીઓ આ વસુલાત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

જીલ્લા સહકારી બેંકના આંકડા વિભાગના ઇન્ચાર્જ મેનેજર કમલેશભાઇ ઘોડાસરાએ જણાવ્યું હતું કે, આમ તો દર વર્ષે બેંક દ્વારા કરોડો રૂપિયાનું ધીરાણ કરવામાં આવે છે પરંતુ પ્રથમ વખત બેંકના ડીરેકટરો આ વસુલાત કાર્યક્રમમાં હાજરી આપવાનો ઉત્સાહ દાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જે બેંકનું ગુડવીલ માટે સારી બાબત છે.

આ કાર્યક્રમમાં બેંકના ડીરેકટરો ઉપરાંત બેંકના રીકવરી અધિકારી અલ્પેશભાઇ મભોલીયા, એ.ડી.એમ. કેતનભાઇ જોષી, નોડલ ઓફીસર જી. એમ. જાડેજા, સહીત સહકારી બેંક શાખાના તમામ સ્ટાફ હાજરી આપીને વસુલાત કાર્યક્રમ દરમીયાન પ્રથમ રીવ્યુ બેઠક બાદ વસુલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

(11:49 am IST)